ગુજરાત
News of Wednesday, 15th July 2020

ગુજરાતમાં દર ૨ મીનિટથી ઓછા સમયમાં એક વ્યકિતને થાય છે કોરોના

કોરોના સંક્રમણ અમદાવાદ, સુરત વડોદરા પૂરતું સિમિત ન રહેતાં રાજયના ૨૮ જિલ્લાઓમાં સતત વધી રહ્યું છેઃ રાજયમાં ૧૫થી વધુ જિલ્લાઓમાં પરિસ્થિતિ બગડતાં કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે

અમદાવાદ, તા.૧૫: રાજયમાં કોરોના સંક્રમણ બેકાબુ બની રહ્યાનું ભલે સરકાર ન સ્વિકારે પરંતુ કોરોનાના આંક જ કહે છે કે રાજયમાં સ્થિતિ સારી નથી. કોરોના સંક્રમણ અમદાવાદ, સુરત વડોદરા પૂરતું સિમિત ન રહેતાં રાજયના ૨૮ જિલ્લાઓમાં સતત વધી રહ્યું છે. રાજયમાં ૧૫થી વધુ જિલ્લાઓમાં પરિસ્થિતિ બગડતાં કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. જુલાઈ મહિનામાં કોરોનાને લીધે ૧૨ હજારથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે. છેલ્લા ૨૪ કલાક પર નજર કરીએ તો આજે વધુ ૯૧૫ નવા પોઝીટીવ કેસ આવ્યા છે. આ આંક જ બતાવે છે કે ગુજરાતમાં દર ૨ મિનિટથી પણ ઓછા સમયમાં એક વ્યકિત સંક્રમિત થાય છે. પ્રતિ કલાકે ૩૮ લોકો સંક્રમિત થાય છે.  રાજયમાં રિકવરી દરમાં વધારો લેતી સરકાર એ પણ ન ભૂલે કે એકિટવ કેસની સંખ્યા પણ ૧૧ હજારને પાર થઈ છે. રાજયમાં મૃત્યુ પર નિયંત્રણ મળ્યું છે. છેલ્લા સપ્તાહમાં ૧૦૦થી પણ ઓછા મૃત્યુ પહેલી વખત નોંધાયા છે.

રાજયમાં કોરોના સંક્રમણના આંક સતત વધી રહ્યા છે. રાજયમાં વધી રહેલા કોરોના સંક્રમણ ૧૫ જિલ્લાઓમાં સૌથી વધુ જોવા મળ્યું છે. રાજયમાં અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર,સુરેન્દ્રનગર, રાજકોટ, મહેસાણા, જામનગર, જૂનાગઢ, વલસાડ, બનાસકાંઠા, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, ભરૂચમાં સતત નવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજયમાં જુલાઈ મહિનો કોરોનાના સતત નવા વધતા કેસોનો મહિનો બની રહ્યો છે. અડધા જૂન સુધીમાં રાજયમાં ૧૧ હજારથી વધારે પોઝીટીવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં આજે પણ રેકોર્ડબ્રેક ૯૧૫ નવા પોઝીટીવ કેસ આવ્યા છે. આ સાથે જ રાજયમાં કોરોના સંક્રમણના કેસ વધીને ૪૩૭૨૩ને પાર થયો છે.

રાજયમાં સૌથી વધુ સંક્રમણ સુરતમાં જોવા મળી રહ્યું છે. સુરતમાં છેલ્લા સપ્તાહમાં જ ૨ હજાર જેટલા પોઝીટીવ કેસ આવ્યા છે. સુરતમાં કોરોના સંક્રમણના કેસો ૮,૪૦૬ થઈ ગયું છે. સુરતમાં કોરોના કાબુમાં લેવા ૧૪૪ ની કલમ લાગુ કરાઈ છે. માર્કેટો સ્વયંભૂ રીતે બંધ થઈ રહ્યા છે. કોરોનાને ભરડામાં લેનાર ડાયમંડ સિટી સુરતની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે. ૧૫ દિવસના ગાળામાં જ કોરોનાએ સમગ્ર શહેરને બાનમાં લીધું છે. સુરતમાં કોરોનાનો પેસારો અટકાવવા માટે ચા-પાન મસાલાની દુકાનો પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. પરંતુ, હવે સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે.

(10:10 am IST)