ગુજરાત
News of Wednesday, 15th July 2020

બે PSIની વિરૂદ્ધ મહિલાએ છેડતી-ધમકીની ફરિયાદ કરી

વાડજ પોલીસ સ્ટેશનની ઘટના : મહિલાને આ અરજીની તપાસ માટે બોલાવી પીએસઆઈ હોટલમાં લઈ જઇ જબરદસ્તી કરતા મહિલા નિકળી ગઈ

અમદાવાદ, તા. ૧૪વાડજ પોલીસ સ્ટેશનના બે પીએસઆઈ વિરુધ્ધ મહિલાએ છેડતી અને ધાકધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પતિના ગુમ થયાની અરજી મહિલાએ ૨૦૧૯માં વાડજ પોલીસ સ્ટેશનમાં કરી હતી. જે મુજબ મહિલાને અરજીની તપાસ માટે બોલાવી પીએસઆઈ હોટલમાં લઈ ગયા હતા. હોટલમાં આરોપીએ જબરજસ્તી કરતા મહિલા ત્યાંથી નીકળી ગઈ હતી. જ્યારે બીજા પીએસસાઈએ તપાસના કામે બોલાવી ધમકી આપી હતી. સમગ્ર મામલમાં એવી પણ ચર્ચા છે કે પોલીસ વિભાગમાં દારૂ પીવા અંગે કોન્સ્ટેબલ વિરુદ્ધ પીએસઆઈએ કેસ કર્યો જેનો બદલો લેવા કોન્સ્ટેબલે ફરિયાદ કરાવી છે.

            વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઈન્સ્પેકટર આરઆર મિશ્રા અને .પી.પરમાર વિરુદ્ધ સોમવારે રાત્રે મહિલાએ છેડતી અને ધાક્ધમકીની ફરિયાદ કરી છે ફરિયાદી મહિલા મુજબ ઓક્ટોબર, ૨૦૧૯માં મહિલાના પતિ ગુમ થઈ જતાં વાડજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. તે સમયે મહિલાને પીએસઆઈ મિશ્રાએ તપાસના કામે બોલાવી હતી. બાદમાં મારે તમારું અંગત કામ છે તેમ કહી મહિલાને હોટલમાં લઈ ગયા હતા. હોટલમાં પીએસસાઈએ મહિલા સાથે જબરજસ્તી કરતા તે રૂમમાંથી બહાર નીકળી ગઈ હતી. બાદમાં મહિલાએ પોતાની સાથે બનેલા બનાવ અંગે અરજી કરી હતી જે બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. અરજીની તપાસમાં પીએસઆઈ મિશ્રા સાથે પીએસઆઈ પરમારે પણ મહિલાને ધાકધમકી આપી હતી.

           બનાવ અંગે મહિના બાદ મહિલાએ ફરિયાદ કરતા તરેહ તરેહની ચર્ચાએ પોલીસ વિભાગમાં જોર પકડ્યું છે. વાડજ પોલીસે મહિલાના ઘરમાં ઘુસી તોફાન મચાવતા પોલીસ કોન્સ્ટેબલને થોડા સમય પહેલા પોલીસ કંટ્રોલના મેસેજને આધારે પકડ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ નશામાં ધૂત હોવાથી તેની સામે પીએસઆઈએ કાર્યવાહી કરી હતી. બાબતની અદાવત રાખી કોન્સ્ટેબલે બંને પીએસઆઈ વિરુદ્ધ બદલો લેવા ફરિયાદ કરાવ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે.

(10:39 pm IST)