ગુજરાત
News of Friday, 15th June 2018

હવે પાર્ક વાહન ટો થશે તો, તે સ્થળે જાણકારી માટે સ્ટીકરો

ટ્રાફિક પોલીસનો હવે નવતર પ્રયોગ રહેશેઃ સ્ટીકરમાં પોલીસ કર્મીનો મોબાઇલ નંબર, વાહન કયાંથી મેળવવું તે સહિત વિગતનો ઉલ્લેખ હશે : મોટી રાહત થઇ

અમદાવાદ, તા.૧૫: નો ર્પાકિંગ ઝોનમાં અથવા તો રસ્તામાં નડતરરૂપ આડેધડ પાર્ક થતાં વાહનોને જ્યારે ટ્રાફિક પોલીસ ટો કરીને લઇ જશે ત્યારે તે સ્થળે વાહનમાલિકને દેખાય એ પ્રકારે એક સ્ટીકર લાગી જશે. વાહન ટો થાય ત્યારે વાહન માલિક કે ચાલકને ચિંતા થાય છે કે વાહન ચોરાઇ ગયું હશે? અથવા વાહન કયાંથી મેળવવું કે શું કરવું? હવે આગામી ટૂંક સમયમાં જ વાહન ટો થશે ત્યારે તે સ્થળે કે તેની નજીકના સ્થળે ટ્રી ગાર્ડ કે થાંભલા પર દેખાય તે રીતને ફલોરોસન્ટ સ્ટીકર લગાવવામાં આવશે. જેમાં પોલીસ કર્મીનો મોબાઇલ નંબર, વાહન કયાંથી મેળવવું તે સહિતની વિગતનો ઉલ્લેખ હશે. ટ્રાફિક પોલીસના આગામી દિવસોમાં અમલી બની રહેલા આ નવતર પ્રયોગને લઇ વાહનમાલિક કે ચાલકોને ઘણી રાહત થશે. શહેરમાં નાગરિકો દ્વારા જાણીબુઝીને કે અજાણતાં આડેધડ પાર્કિંગ કે રસ્તામાં વાહન ઉભુ રાખીને થોડીવાર માટે પોતાનું કામ પૂર્ણ કરવા જવાની ટેવ હોય છે ત્યારે તેવા સમયે ટ્રાફિક પોલીસ અથવા તો ટોઇંગ વાન આવીને વાહન ઉઠાવી જતી હોય છે. પાછળથી વાહનમાલિક કે ચાલક પોતાના વાહનને લઇ હાંફળોફાંફળો બની જાય છે અને પોતાનું વાહન કયાં ગયું, કોણ લઇ ગયું, પોલીસ લઇ ગઇ કે ચોરાઇ ગયુ સહિતના અનેક પ્રશ્નાર્થના વમળમાં ફસાઇને રહી જતા હોય છે ત્યારે હવે ટ્રાફિક પોલીસ આગામી દિવસોમાં એક નવતર પ્રયોગ અમલી બનાવવા જઇ રહી છે. જેમાં શહેરના જે વિસ્તારમાં જે જગ્યાએથી વાહન ટો કરાયું હશે તે જ જગ્યાએ કે દેખાય તેવી નજીકની જગ્યાએ સ્ટીકર લગાવવામાં આવ્યું હશે. જેમાં લખાયું હશે કે, 'તમારું વાહન ગેરકાયદે રીતે પાર્ક કરેલ હોવાથી ટો કરેલ છે. જે કયા સ્થળે લઇ જવામાં આવ્યું છે. ઉપરાંત વાહન નંબર અને મોબાઇલ નંબર પણ હશે.' સ્ટીકરમાં અલગ પ્રકારનો ગમ હશે જે રોડ ઉપર કે અન્ય જગ્યાએ કે ઝાડ પર આસાનીથી ચોંટી જશે. ટ્રાફિક પોલીસ નો પાર્કિંગ ઝોનમાંથી જ્યારે ટુ વ્હીલર ટો કરે છે ત્યારે વાહન માલિક જે તે સ્થળે તેનું વાહન ન જોતાં ગભરાઇ જાય છે.

વાહન ટો થયાની જાણ થતાં જ આસપાસમાંથી માહિતી મેળવીને ટ્રાફિક પોલીસ સુધી પહોંચે છે અને છેવટે સરનામું મેળવીને જે તે જગ્યાએ જઇને દંડ ભરીને પોતાનું વાહન પરત મેળવે છે. જ્યાં ગેરકાયદે ફોર વ્હીલર પાર્ક થયા હશે ત્યાં પણ જો તેને લોક પણ કરવામાં આવશે ત્યારે કોનો સંપર્ક કરવો તે માટે સ્ટીકર લગાવવામાં આવશે. મોટા ભાગે ટુ વ્હીલર ટો થાય છે અને ફોર વ્હીલરને ત્યાં જ જે તે સ્થળે લોક કરાય છે. સ્ટીકર લાગશે તો વાહનચાલક ગૂંચવાશે નહીં. મોબાઇલ નંબર સહિતની વિગતો સ્ટીકરમાં હોવાના કારણે કોઇને પૂછવું પડશે નહીં. વાહનચાલકોને ક્ષણ માટે વાહન ચોરાયું હોવાનો ડર રહેશે નહીં. વાહન વ્યવહાર વિભાગનાં સૂત્રોનાંં જણાવ્યા અનુસાર વાહનચાલકોને સરળતા રહે તે માટેના હેતુથી આ પ્રયોગ પ્રાયોગિક ધોરણે હાથ ધરાયા બાદ તબક્કાવાર રીતે રાજ્યભરમાં અમલી કરાશે.

(9:43 pm IST)