ગુજરાત
News of Friday, 15th June 2018

ગર્ભવતી છતાં ઘરકામ માટે બળજબરી કરાતાં આપઘાત

ઘાટલોડિયા વિસ્તારમાં ગોપાલનગરનો બનાવ : સમૂહ લગ્નમાં લગ્ન કરાવ્યા બાબતે તેમજ ઘરકામ કરવા મામલે સાસરિયાઓ દ્વારા પરિણીતાને ત્રાસ અપાતો હતો

અમદાવાદ,તા.૧૫ : ઘાટલોડિયાના ગોપાલનગરમાં રહેતી ગર્ભવતી પરિણીતાએ ચાર દિવસ પહેલાં સાસરીમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પતિ-સાસુ અને દિયર દ્વારા સમૂહ લગ્નમાં લગ્ન કરાવ્યા બાબતે મ્હેણાંટોણાં મારી તેમ જ પરિણીતા ગર્ભવતી હોવછતાં તેણીને બળજબરીપૂર્વક ઘરકામ કરવાનો માનસિક ત્રાસ અપાતાં પરિણીતાએ કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. મૃતક પરિણીતાની માતાએ આ અંગે પતિ-સાસુ અને દિયર સામે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ઘીકાંટાના ગોસ્વામી મહારાજના વંડામાં રહેતાં વસંતીબહેન મૂકેશભાઇ ડાભી (દરજી)ની દીકરી દેવયાની (ઉંં.વ.૨૪)નાં લગ્ન તા.૩૧-૧૨-૨૦૧૭ના રોજ ઘાટલોડિયાના ગોપાલનગર ખાતે રહેતા દિનેશભાઇ મઘાભાઇ દરજી સાથે રાણીપ ખાતે આવેલ રામજી મંદિરમાં સમૂહ લગ્નમાં કરાયા હતાં. લગ્નના એકાદ મહિના બાદ દેવયાનીએ તેની માતાને જણાવ્યું હતું કે તેનાં સાસુ ધનીબહેન અને દિયર અવારનવાર મારાં લગ્ન સમૂહલગ્નમાં કરાવ્યાં તે બાબતે મહેણાં મારે છે. ગત મે મહિનામાં દેવયાની પ્રેગ્નન્ટ હોઈ ડોક્ટર પાસે તપાસ કરાવવા પિયરમાં આવી હતી. ડૉક્ટરે તેને બીજા દિવસે સવારે બતાવવા આવવાનું જણાવ્યું હતું, જોકે દિનેશે દેવયાનીને તાત્કાલિક ઘરે આવી જવાનું કહીને તું ત્યાં રહીશ તો અહીં ઘરનું કામકાજ કોણ કરશે તેમજ તું આટલા મોંઘા ડોક્ટર પાસે દવા કરાવે છે તો દવાના પૈસા કોણ આપશે તેમ જણાવી દેવયાનીને જેમ ફાવે તેમ બોલવા લાગતાં દેવયાની રડવા લાગી હતી. આઠ દિવસ અગાઉ દેવયાનીએ તેની માતાને ફોન કરીને જાણ કરી હતી કે તેનાં સાસુ-સસરા દ્વારકા ખાતે જાય છે અને મને શરીરમાં અશક્તિ જેવું હોઇ મારાથી કામ થતું નથી તેમ છતાં મારાં સાસુ મારી પાસે ઘરનું કામકાજ કરાવે છે. વસંતીબહેને દેવયાનીનાં સાસુ સાથે વાતચીત કરીને બે-ચાર દિવસ આરામ કરવા પિયર મોકલી આપો તેમ કહ્યું હતું. ઘરનું કામ તો દેવયાની જ કરશે અને તે તમારા ઘરે આવશે નહીં તેમ જણાવી ધનીબહેને ફોન કાપી નાખ્યો હતો. બાદમાં તા.૧૧ જૂનના રોજ દેવયાનીએ કંટાળીને પોતાના ઘરે બપોરના સમયે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘાટલોડિયા પોલીસે હાલ ગુનો નોંધી આરોપી સાસરિયાઓ વિરૂધ્ધ તપાસ કાર્યવાહી હાથ ધરી છે. કેટલીક નવી વિગતો ખુલે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે.

(7:17 pm IST)