ગુજરાત
News of Friday, 15th June 2018

આણંદના સરદારગંજમાંથી એસ્ટેટની ઓફિસમાં છાપો મારતા ઓનલાઇન ઠગાઈનું રેકેટ ઝડપાયું

આણંદ: લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સરદારગંજમાં આવેલા દાદાભાઈ એસ્ટેટની એક ઓફિસમાં છાપો મારીને પરપ્રાંતીયોના એટીએમ કાર્ડના આધારે ઓનલાઈન ઠગાઈ કરવાનું એક મસમોટુ રેકેટ ઝડપી પાડીને કાર્યવાહી હાથ ઘરી છે. તપાસ દરમ્યાન લાખોની ઠગાઈ બહાર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે

પ્રાપ્ત વિગતો અનુસાર આણંદના ઈન્ચાર્જ ડીએસપી સંદિપ ચૌધરીને એક ગુપ્ત માહિતી મળી હતી કે, સરદારગંજમા ંઆવેલા દાદાભાઈ એસ્ટેટ બિલ્ડીંગમાં કાર્યરત એક ઓફિસમાં ઓનલાઈન ઠગાઈ કરવાનું રેકેટ ચાલી રહ્યું છે જેના આધારે એલસીબી પીએસઆઈ આર. વી. વીંછી અને ટીમે સાથે છાપો મારતાં ઓફિસમાંથી શખ્સો મળી આવ્યા હતા જેમાં પીન્કેશ કનુભાઈ પટેલ, મીતુલ પટેલ તથા હૈદરાબાદના ત્રણ તથા એક કરજણ નજીકના ગામના રહેવાસીનો સમાવેશ થાય છે. પોલીસે લેપટોપ તેમજ મોબાઈલ ફોન જપ્ત કરીને તપાસ હાથ ઘરતાં શખ્સો દુબઈ, અમેરિકા, લંડન વગેરે દેશોના લોકોના એટીએમ કાર્ડ યેનકેન પ્રકારે મેળવી લેતા હતા અને ત્યાંંના સ્થાનિકની મદદથી તેના ફોટા પાડીને સોશ્યલ મિડિયાના માધ્યમથી મંગાવી લઈ યેનકેન પ્રકારે તેનો કોડ નંબર અને પીન નંબર જાણીને તેમના એકાઉન્ટમાંથી ઓનલાઈન પૈસા પોતાના વોલેટમાં જમા કરાવી લેતા હતા. ત્યારબાદ શખ્સો વોલેટમાં જમા થયેલા પૈસાના આધારે ખરીદી કરી લેતા હતા

વિગતો ખુલતા પોલીસે સાયબર ક્રાઈમની મદદથી સમગ્ર રેકેટના મુળ સુધી પહોંચવાની તજવીજ હાથ ઘરી છે. પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા હૈદરાબાદના ત્રણેય શખ્સો સમગ્ર રેકેટના માસ્ટર માઈન્ડ હોવાનું કહેવાઈ રહ્યું છે. શખ્સો કરજણ નજીક આવેલા એક ગામમાં રહેતા શખ્સને ત્યાં રહેતા હતા અને તેઓનો પરિચય આણંદના પીન્કેશ પટેલ તથા મિતુલ પટેલ સાથે થતાં તેઓ છેલ્લા દશેક દિવસથી દરરોજ આણંદ આવતા હતા અને ઓનલાઈન ઠગાઈ કરીને કરજણ જતા રહેતા હતા. પોલીસે અંગે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ઘરી છે. પોલીસે ગઈકાલે છાપો માર્યો ત્યારે વાઈફાય ચાલુ નહોતુ જેથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થયુ નહોતુ. પરંતુ પોલીસે લેપટોપ, મોબાઈલ સહિતની સામગ્રી જપ્ત કરીને તેના આધારે અત્યાર સુધીમાં કોના-કોના એટીએમના આધારે કેટલાની ઠગાઈ કરવામાં આવી છે તેની તપાસ હાથ ઘરી છે.

(6:24 pm IST)