ગુજરાત
News of Friday, 15th June 2018

નવી ડોમિસાઇલ સર્ટિફિકેટ (વસવાટનો દાખલો) મેળવવામાં વિદ્યાર્થીઓને ધરમના ધક્કાઃ ૧પ દિવસથી વાયદા આપે છે છતાં દાખલા મળતા નથી

અમદાવાદઃ નવી ડોમિસાઈલ પ્રક્રિયાને વાલીઓ તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ગુરુવારે શાહીબાગ વિસ્તારમાં આવેલા પોલીસ હેડક્વાટર્સમાં સ્પેશિયલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કેટલાક વાલીઓની ફરિયાદ હતી કે જે-તે પોલીસ સ્ટેશનના ફરજ પર રહેલા પોલીસકર્મીઓ ડોમિસાઈલ સર્ટિફિકેટ (વસવાટનો દાખલો) આપવામાં નિષ્ક્રિય હતા.

એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા પુત્ર માટે ડોમિસાઈલ સર્ટિફિકેટ લેવા આવેલા રાજેશ શર્માએ કહ્યું કે, “ડોમિસાઈલ સર્ટિફિકેટ મેળવવા માટે છેલ્લા 15 દિવસથી અમે શાહીબાગ પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈએ છીએ. પોલીસે અમને ગુરુવારે પણ સર્ટિફિકેટ લેવા માટે બોલાવ્યા પરંતુ અંતે ખાલી હાથે પાછું ફરવું પડ્યું. પોલીસકર્મી સાથે લાંબી માથાકૂટ પછી તેમણે મને બીજા દિવસે સર્ટિફિકેટ આપવાનો વાયદો કર્યો.

વેબસાઈટ પર અપૂરતી માહિતી વાલીઓ માટે બીજો એક પડકાર હતો. નેશનલ એલિજીબિલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) હેઠળ પેરામેડિક્સ નથી. જેથી ડોમિસાઈલ સર્ટિફિકેટ લેવા આવેલા કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં મૂકાયા. પૂજા ચઢ્ઢાએ કહ્યું કે, “પેરામેડિક્સ પસંદ કરનારા વિદ્યાર્થીઓ માટે કેંદ્ર સરકારની વેબસાઈટ પર પણ કોઈ સ્પષ્ટતા નથી કરાઈ. આવા વિદ્યાર્થીઓ માટે કોઈ ચોક્કસ પ્રક્રિયા નથી, જેના કારણે વાલીઓ અસમંજસમાં છે.

તો બીજી તરફ બધા જ પોલીસ સ્ટેશનના પ્રતિનિધિઓ એક જ છત નીચે હોવાથી કેટલાક વાલીઓ સંતુષ્ટ હતા. એક વાલી ડૉ. ગિરીશ પંચાલે જણાવ્યું કે, “બધા જ પોલીસ સ્ટેશન એક જ છત નીચે હોવાથી સમય પર ડોમિસાઈલ સર્ટિફિકેટ મેળવવાનું સરળ થઈ ગયું છે.

ડોમિસાઈલ સર્ટિફિકેટ મેળવવા માટે તમે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી રહો છો તેનો પુરાવો આપવો જરૂરી છે. આધાર કાર્ડ, લાઈટ બિલ, ગેસ બિલ અને અન્ય રેસિડેન્સ પ્રુફ હોવા જરૂરી છે. આ ઉપરાંત સ્કૂલમાંથી બોના-ફાઈડ સર્ટિફિકેટ લાવવાનું હોય છે, જેથી સાબિત થઈ શકે કે વિદ્યાર્થી છેલ્લા 10 વર્ષથી જે-તે સ્કૂલમાં અભ્યાસ કરે છે. વાલી પંકજ જોષીએ કહ્યું કે, “ડોક્યુમેન્ટ્સ ભેગા કરતાં મને 3 દિવસ લાગ્યા. મારી દીકરીએ એક જ શાળામાં ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે એટલે મારે બહુ વાંધો ન આવ્યો.

(6:18 pm IST)