ગુજરાત
News of Saturday, 15th May 2021

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રૂપિયાની લેતીદેતીના મામલે યુવકે પાડોશમાં રહેતા આધેડ પર પાઇપથી હુમલો કરતા ગુનો દાખલ

અમદાવાદ: શહેરના અમરાઇવાડી વિસ્તારમાં રૃપિયાની લેતી-દેતીમાં યુવકે પડોશમાં રહેતા આધેડને પાઇપથી માર માર્યો હતો. પોલીસ તપાસમાં ત્રણ વર્ષ પહેલા રૃા. ૩૦,૦૦૦ ઉછીના આપ્યા હતા, જે રૃપિયા પરત આપવાના બદલે માર માર્યો હતો. આ ઘટના અંગે પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

 આ કેસની વિગત એવી છે કે  અમરાઇવાડી વિસ્તારમાં દ્વારકાધીશનગર, ગાંગુલી શેઠની ચાલીમાં રહેતા અમરબહાદુર વસંતબહાદુર રાજપુત (ઉ.વ.૫૦)એ અમરાઇવાડી પોલીસ સ્ટશનમાં પડોશમાં રહેતા અનિલભાઇ નેકરામ રાજપુત અને તેની માતા શાંતિબહેન સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદ નોધાવી છે કે આરોપીને મકાન બનાવવા માટે ત્રણ વર્ષ પહેલા રૃા. ૩૦,૦૦૦ ઉછીના આપ્યા હતા, બીજીતરફ ફરિયાદીની દિકરીનો લગ્ન પ્રસંગ હોવાથી રૃપિયાની જરૃરિયાત હોવાથી તેઓએ ગઇકાલે રૃપિયાની માંગણી કરી હતી.

જેથી પડોશી યુવકે મારે રૃપિયા આપવા નથી તારાથી જે થાય તે કરી લે કહ્યું હતું. જેથી ફરિયાદીએ તમારે રૃપિયાતો આપવા જ પડશે તેમ કહેતા પડોશી યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને તકરાર કરી હતી આ સમયે આરોપીની માતાએ આવી જતાં તેણીએ પુત્રને પાઇપ લાવીને આપ્યો હતો જેથી આરોપીએ ફરિયાદના માથામાં લોખંડની પાઇપ મારી હતી, જેને લઇને ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના અંગે અમરાવાઇવાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(4:59 pm IST)