ગુજરાત
News of Friday, 15th May 2020

મોડાસાની કોવિડ હોસ્પિટલમાંથી 22 દર્દીઓ સાજા થતાં રજા અપાઈ

કોરોના વોરિયર્સે તાળીઓના સન્માન સાથે વિદાય આપી

મોડાસાની કોવીડ-19 હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ કોરોનાગ્રસ્ત દર્દીઓમાં કોરોનાના લક્ષણ દેખાતા બંધ થયા બાદ તેઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બાદમાં બીજો રીપોર્ટ પણ નેગેટિવ આવતા કોરોના સામે જંગ જીતનાર 22 દર્દીઓને મોડાસા કોવીડ-19 હોસ્પિટલમાં ફરજ બજાવતા કોરોના વોરિયર્સે તાળીઓના સન્માન સાથે વિદાય આપી હતી. કોરોના વોરિયર્સ અને કોરોનાના દર્દીઓની હિંમતને બિરદાવવા મોટી સંખ્યામાં ડોક્ટર્સ અને નર્સ હાજર રહ્યા હતા.

અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે આવેલ કોવિડ હોસ્પિટલમાં 22 કોરોનાના દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા અત્યાર સુધી 40 દર્દીઓ સાજા થયા છે. જ્યારે હજુ 37 દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ મોડાસા અને વાત્રક કોવીડ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જિલ્લામાં આવેલ મોડાસા અને વાત્રક કોવીડ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સની સઘન સારવારના પગલે 22 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતાં મોડાસાની કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેમાં મોડાસાના 10 ભિલોડાના11 અને મેઘરજનો એક દર્દી સાજો થયો હતો. આ વેળાએ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો, આરોગ્ય કર્મચારીઓએ તાળીઓના ગડગળાટ સાથે તેઓને વિદાય આપી હતી. કોરોના વોરિયર્સે આપેલા સન્માનથી દર્દીઓ ભાવુક બન્યા હતા.

(11:22 pm IST)