ગુજરાત
News of Wednesday, 15th May 2019

રાજ્યમાં પાણીનો બગાડ રોકવા હવે મીટર લગાવવા વિચારણા

સરકારની ટીમ રાજસ્થાનમાં અભ્યાસ માટે જશે : રાજ્યના ૮ મહાનગર, ૨૫૦થી વધુ નપાઓ, ૧૮ હજાર ગામમાં મીટર લગાવવા માટે તખ્તો તૈયાર થઇ રહ્યો છે

અમદાવાદ,તા. ૧૫ : રાજ્યમાં પાણીની અછત સર્જાતા હવે પાણીના કરકસરયુક્ત વપરાશ અને વેડફાટ અટકાવવા માટે સરકાર પાણીની બલ્ક લાઇનમાં મીટર લગાવવા તરફ ગંભીર વિચારણા હાથ ધરી રહી છે. રાજસ્થાનનું મોડેલ ગુજરાતમાં અમલી બનાવવા સરકાર વિચારણા કરી રહી છે. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા અધિકારીઓની ટીમ સાથે બે દિવસમાં રાજસ્થાનની મુલાકાતે જશે અને ત્યાંની પદ્ધતિનો અભ્યાસ કર્યા બાદ ગુજરાતમાં કેવી રીતે આગળ વધી શકાય તેનો એક્શન પ્લાન તૈયાર કરશે. રાજ્યમાં અગાઉ પણ પાણીના મીટરો લગાવવા માટે પ્રક્રિયા શરૂ કરાઇ હતી, પરંતુ લોક વિરોધના ડરથી સરકારે તે પડતી મૂકી હતી. હવે પાણીની સતત રહેતી અછતને પહોંચી વળવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા ફરી કવાયત હાથ ધરાઇ છે. કુંવરજી બાવળિયાએ આ અંગે જણાવ્યું હતું કે, પાણીના કરકસરયુક્ત વપરાશ માટે મીટર હોય તે જરૂરી બન્યું છે. રાજસ્થાનના જોધપુરમાં કેટલાક ઝોનમાં મીટર પદ્ધતિ અમલી બનાવવામાં આવી છે. ત્યાં કેવી અસર છે, કેટલી સફળતા મળી છે અને કઇ પદ્ધતિથી પાણી પુરવઠો અપાય છે અને કેવી રીતે વસૂલાત થાય છે તે તમામ બાબતનો રૂબરૂ જઇને અભ્યાસ કરાશે. તે પછી ગુજરાતમાં અમલીકરણ અંગે વિચારણા હાથ ધરાશે. રાજ્યના ૮ મહાનગરો, ૨૫૦થી વધુ નગરપાલિકાઓ અને ૧૮ હજાર જેટલા ગામમાં મીટર લગાવવાનો તખ્તો તૈયાર થઇ રહ્યો છે. તે પછી શહેર અને ગામમાં ઘરે ઘરે મીટર લગાવવાનો નિર્ણય જે તે મહાપાલિકા, નગરપાલિકા અને ગ્રામ પંચાયતની રહેશે. પાણીનો જથ્થો મળ્યો નથી તેવી રજૂઆત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તરફથી થતી હોય છે જેના કારણે વિવાદ સર્જાય છે. મીટર મૂકાવાથી આ વિવાદનો પણ અંત આવશે. લોકો પણ પાણીની કિંમત સમજતા થશે તે સરકારનો મુખ્ય હેતુ છે.

(8:24 pm IST)