ગુજરાત
News of Wednesday, 15th May 2019

ખેડાના પણસોલીમાં તળાવમાં મચ્છી કાઢવા બાબતે ના કહેતા ચાર શખ્સોએ મળી એકને માર મારતા પોલીસ ફરિયાદ

ખેડા: તાલુકાના પણસોલી ગામમાં એક તળાવ આવેલું છે. આ તળાવને ધોળકામાં રહેતાં એક વ્યક્તિએ વેચાતુ લીધુ હોઈ તળાવની દેખરેખ તેમજ સાચવણી માટે પણસોલી ગામમાં રહેતાં વીરૂભાઈ ચીમનભાઈ ચુનારાને પગારદાર તરીકે રાખવામાં આવ્યાં છે. તેઓ તળાવની દેખરેખની સાથે સાથે સાચવણી પણ કરે છે. ગતરોજ વહેલી સવારના સમયે તેઓ દેખરેખ માટે તળાવે ગયાં હતાં. તે વખતે ગામમાં રહેતાં નરેશભાઈ માનસિંગભાઈ ચુનારા, મહેશભાઈ પ્રતાપભાઈ ચુનારા, રોહિતભાઈ શંભુભાઈ ચુનારા અને શંભુભાઈ મણીભાઈ ચુનારા નામના ચાર વ્યક્તિઓ તળાવમાંથી મચ્છી કાઢી રહ્યાં હતાં. જેથી વીરૂભાઈએ તેઓને તળાવમાંથી મચ્છી કાઢવાની ના પાડી હતી. મચ્છી કાઢવાની ના પાડતાં ચારેય જણાં ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલી વીરૂભાઈ સાથે ઝપાઝપી કરવા લાગ્યાં હતાં. તેમજ લાકડી તેમજ ધારીયા વડે વીરૂભાઈ પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. 

આ બનાવ અંગે વીરૂભાઈ ચીમનભાઈ ચુનારાની ફરિયાદને આધારે ખેડા ટાઉન પોલીસે નરેશભાઈ માનસિંગભાઈ ચુનારા, મહેશભાઈ પ્રતાપભાઈ ચુનારા, રોહિતભાઈ શંભુભાઈ ચુનારા અને શંભુભાઈ મણીભાઈ ચુનારા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:44 pm IST)