ગુજરાત
News of Wednesday, 15th May 2019

GAS વર્ગ-૧માં નિવૃત્તિ બાદ સિલેકશન સ્કેલમાં એડિશ્નલ કલેકટર તરીકે બઢતીના લાભ માટેની ગુજરાત હાઈકોર્ટમાં રીટ

નિવૃત્ત અધિકારી બી.પી. સુદાનીની રીટ ગુજરાત હાઈકોર્ટમાં એડમીટ (રૂલ)

રાજકોટ  : ગુજરાત વહીવટી સેવા (જી.એ.એસ.) કલાસ-૧ સીનીયર સ્કેલ કેડરમાં એડીશ્નલ કલેકટર તરીકે ફરજ બજાવી વયમર્યાદાથી નિવૃત્ત થયેલ અધિકારી, શ્રી ભગવાનજીભાઈ પી. સુદાનીને સિલેકશન સ્કેલનો લાભ ન મળતા તેઓએ ગુજરાત હાઈ કોર્ટ સમક્ષ સ્પેશિયલ સિવિલ એપ્લીકેશન (રીટ પીટીશન) કરેલ છે. જે ગુજરાત હાઈ કોર્ટએ પ્રાથમિક સુનાવણીમાં એડમીટ (રૂલ) કરેલ છે.

કાનુની કાર્યવાહીની વિગતો એવી છે કે રાજકોટના શ્રી ભગવાનજીભાઈ પી. સુદાનીની પ્રથમ નિમણુંક ગુજરાત વહીવટી સેવા (જી.એ.એસ.) વર્ગ-૧માં જુનિયર સ્કેલમાં ડેપ્યુટી કલેકટર તરીકે થયેલ. નિશ્ચિત વર્ષોની સેવા બાદ શ્રી સુદાનીને ગુજરાત વહીવટી સેવા જી.એ.એસ. કલાસ-૧, સીનીયર સ્કેલમાં એડીશ્નલ કલેકટર તરીકે બઢતી આપવામાં આવેલ. શ્રી સુદાનીનો સર્વિસ રેકોર્ડ એકદમ ચોખ્ખો, સ્વચ્છ અને કોઈપણ જાતના દાગ વગરનો અને વાદ વિવાદથી પર હતો. ૩૫ વર્ષની લાંબી નોકરી દરમિયાન શ્રી સુદાની વિરૂદ્ધ કોઈ ફરીયાદ કે અરજી પણ થયેલ નહિં. શ્રી સુદાનીએ એડીશ્નલ કલેકટર તરીકે સીનીયર સ્કેલ કેડરમાં પાંચ કરતાં વધુ વર્ષોની નોકરી પૂર્ણ કરેલ અને તેમની ઉત્કૃષ્ટ કામગીરી, કાર્યદક્ષતા, પ્રમાણિકતા અને સ્વચ્છ રેકોર્ડને ધ્યાને લઈ શ્રી સુદાનીને એડીશ્નલ કલેકટર, જી.એ.એસ. કલાસ-૧, સિલેકશન સ્કેલમાં બઢતી મળવાપાત્ર હતી.

તા.૧-૧-૨૦૧૮ના રોજ ગુજરાત રાજયના જુદા જુદા વિભાગોમાં જી.એ.એસ. કલાસ-૧, સિલેકશન સ્કેલની કેડરમાં એડીશ્નલ કલેકટરની કુલ ૩૫ જગ્યાઓ ખાલી હતી. તે જગ્યા પર બઢતી આપવાની કાર્યવાહી કરવા માટે રાજય સરકારે ત્રણ સિનીયર આઈએએસ અધિકારીઓની ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમીટી (ડી.પી.સી.)ની રચના કરેલ. તા.૨૨-૧-૨૦૧૮ની મીટીંગમાં ધોરણસરની કાર્યવાહી દરમિયાન ડી.પી.સી.એ. શ્રી સુદાનીની વેરીગુડ રેન્કને ધ્યાને લઈ શ્રી સુદાની સહિત સીનીયર સ્કેલમાં કાર્યરત કુલ ૩૫ અધિકારીઓને જી.એ.એસ. કલાસ-૧, સિલેકશન સ્કેલમાં એડીશ્ન કલેકટર તરીકે બઢતી આપવા માટે રાજય સરકારને ભલામણ કરેલ.

ડી.પી.સી.એ. શ્રી સુદાનીના નામની ભલામણ કરેલ તેને રાજય સરકાર કક્ષાએ મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય દ્વારા પણ માન્ય કરવામાં આવેલ અને આખી બાબત અંતિમ તબક્કામાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની મંજૂરી માટે મોકલવામાં આવેલ.

ડી.પી.સી.એ જે અધિકારીઓના નામની બઢતી માટે ભલામણ કરેલ, તે પૈકી શ્રી સુદાનીના નામને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનએ બઢતીને ન્યાય કરેલ નહિં અને અમુક અધિકારીઓની પુનઃ વિચારણા કરવા રાજય સરકારને પરત મોકલેલ.

ગંભીર પ્રકારની વહીવટી કામગીરીમાં શ્રી સુદાનીની બઢતીને દરેક (તબક્કે ડી.પી.સી. + મુખ્યમંત્રીશ્રી + ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) માન્ય રાખવામાં આવેલ. પરંતુ અમુક અન્ય અધિકારીઓના નામની પુનઃ વિચારણા કરવાની થતી હોય, રાજય સરકારે તે દિશામાં કાર્યવાહી ચાલુ રાખી, પરંતુ તે દરમિયાન શ્રી સુદાનીની બઢતી, (જે દરેક તબક્કે માન્ય રહેલ) તેનો બઢતીનો હુકમ બહાર પડેલ નહિં, અને તે બાબતે રાજય સરકાર નિષ્ક્રિય રહેલ.

દરમિયાનમાં શ્રી સુદાની તા.૩૦-૬-૨૦૧૮ના વયમર્યાદાથી સરકારી સેવામાંથી નિવૃત્ત થયેલ.

સક્રિય સેવા દરમિયાન શ્રી સુદાનીને જી.એ.એસ. કલાસ-૧, સિલેકશન સ્કેલમાં એડીશ્નલ કલેકટર તરીકે બઢતી મળવાપાત્ર હતી. દરેક તબક્કે તેમની બઢતીને માન્ય કરવામાં આવેલ. પરંતુ અમુક અન્ય અધિકારીઓના નામની પુનઃ વિચારણાના કરવાની કાર્યવાહી દરમિયાન શ્રી સુદાની વયમર્યાદાથી નિવૃત્ત થઈ ગયા. તેમાં શ્રી સુદાનીના પક્ષે કોઈ ફોલ્ટ કે ક્ષતિ ન હતી અને રાજય સરકારની નિષ્ક્રિયતાના કારણે શ્રી સુદાની સક્રિય સેવા દરમિયાન જી.એ.એસ.કલાસ-૧, સિલેકશન સ્કેલમાં બઢતીના લાભથી વંચિત રહી ગયા. જેના કારણે તેમને નિવૃત્તિના લાભો અને પેન્શનની રકમમાં ઘણી રહેવા પામેલ.

આ બાબતે શ્રી સુદાનીએ રાજકોટના એડવોકેટ શ્રી જીતુભાઈ ચોટાઈ મારફત ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન (રીટ પીટીશન) દાખલ કરેલ છે. જેમાં શ્રી સુદાનીના એડવોકેટ શ્રી જીતુભાઈ ચોટાઈએ હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરેલ કે સ્વતંત્ર ભારતના બંધારણનો મુળભુત ધ્યેય નાગરીકોના ઉદ્ધાર અને વિકાસ (વેલ્ફેર)નો છે. શ્રી  સુદાનીના સ્વચ્છ વિકાસ રેકોર્ડ અને વેરી ગૂડ ગ્રેડીંગ ધ્યાને લઈ સક્રિય નોકરી દરમિયાન તેમને મળવાપાત્ર બઢતીનો લાભ વેલ્ફેરના સિદ્ધાંત  મુજબ, નોકરીમાંથી નિવૃત્ત થયા પછી પણ આપવો જોઈએે અને તે બાબતે કાયદાકીય બાબતે કોઈ ભેદભાવ ન થવો જોઈએ.

શ્રી સુદાનીના એડવોકેટ ઉપરોકત તથા અન્ય રજૂઆતને ધ્યાને લઈ નામદાર ગુજરાત હાઈકોર્ટે શ્રી સુદાનીની સ્પેશિયલ સિવિલ એપ્લીકેશન (રીટ પીટીશન) રૂલ કરી, એડમિટ કરવાનો હુકમ કરેલ છે.

(11:22 am IST)