ગુજરાત
News of Thursday, 15th April 2021

કોરોનાથી સંક્રમિત દર્દીનું આખરે કારમાં જ મોત થયું

હૉસ્પિટલ બહાર કલાકથી રઝળી રહ્યો હતો : પાલનપુર હોસ્પિટલ આગળ સારવારના અભાવે એક કોરોનાના દર્દીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે

બનાસકાંઠા,તા.૧૫ : બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીની વરવી વાસ્તવિકતા સામે આવી છે. સારવાર માટે જગ્યા ન હોવાને કારણે  અને સારવાર સમયસર ન મળવાને કારણે  પાલનપુરની બનાસ કોવિડ હૉસ્પિટલની બહાર એક કલાકથી ખાનગી ગાડીમાં રજળી રહેલા કોરોના સંક્રમિત દર્દીનું આખરે મોત થયું હતું. પરિવારનો આક્ષેપ છે કે, બનાસ મેડીકલ કોલેજના તબીબોની ગંભીર બેદરકારીના કારણે દર્દીનું મોત થતાં તેના પરિવારજનોએ હંગામો મચાવ્યો હતો. બનાસકાંઠાની પાલનપુર હોસ્પિટલ આગળ સારવારના અભાવે એક કોરોનાના દર્દીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે.

જેમાં ચંડીસર ગામ ના એક વ્યક્તિને મોડી રાત્રે તબિયત લથડી હતી. જેથી આજે સવારે તેમની તપાસ કરાવતા કોરોના થયો હોવાનું જાણવા મળતા જ તેમના પરિવારજનો તેમને પાલનપુરની બનાસ કોવિડ હૉસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા. પરંતુ આ હૉસ્પિટલ અગાઉથી જ હાઉસફુલ હતી. જેથી હૉસ્પિટલમાં હાજર રહેલા તબીબોએ તેમને દાખલ કરવા માટે ના પાડી હતી. પરંતુ દર્દીની હાલત ગંભીર હોવાના કારણે તેના પરિવારજનોએ હાજર રહેલા તબીબોને તેમની પ્રાથમિક સારવાર કરવા માટે ખૂબ જ આજીજી કરી હતી.

તેમ છતાં પણ સતત એક કલાક સુધી રજૂઆત કર્યા બાદ પણ તબીબોએ કોરોનાગ્રસ્ત દર્દીની દરકાર સુધ્ધા લીધી ન હતી. જેના કારણે જે ખાનગી ગાડીમાં દર્દીને લઇને આવ્યા હતા. તે જ ગાડીમાં એક કલાક સુધી સારવાર ન મળતા આખરે દર્દીએ દમ તોડયો હતો દર્દીનું મોત થતા જ મૃતક તેમના પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા અને ભારે હંગામો મચાવ્યો હતો. મૃતક દર્દીના સગાના જણાવ્યા પ્રમાણે, અમારા દર્દીએક કલાકથી ગાડીમાંને ગાડીમાં જ છે. આ સિવિલ હૉસ્પિટલનાં ડોક્ટરોએ બહાર આવીને તેમને તપાસ્યા પણ નથી. હવે અમારે ક્યાં જવાનું.

સિવિલમાં જ આવો જવાબ આપે તો અમારે શું કરવું. અમારે તો અમારા સગાથી હાત ધોવાનો વારો આવ્યો. આ સિવિલનાં ડૉક્ટરો અને સ્ટાફની બેદરકારી છે. નોંધનીય છે કે, કોરોના મામલે હવે બનાસકાંઠા જિલ્લાની હાલત પણ ધીમે ધીમે કથળી રહી છે અત્યારે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર માં બનાસ કોવિડ હૉસ્પિટલમાં ૧૨૬ બેડ અને ડીસાની જનતા હૉસ્પિટલમાં ૫૦ બેડની સુવિધા છે .પરંતુ અત્યારે બનાસ કોવિડ હૉસ્પિટલમાં ૧૨૬ની જગ્યાએ ૧૪૫થી પણ વધુ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે અને વેન્ટિલેટર, ઓક્સિજન અને રેમડેસીવર ઇન્જેક્શનની ભારે અછત છે.

ત્યારે દર્દીઓને સારવાર કઈ રીતે આપવી તે એક મોટો સવાલ છે. આ મામલે બનાસ મેડીકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરીએ જણાવ્યું હતું કે, દર્દી આવ્યા ત્યારે ૯૦ ટકા લન્ગ્સ કામ ન હતા કરતા. તેઓ કોરોના અસરગ્રસ્ત હતા, અત્યારે હૉસ્પિટલમાં જગ્યા નથી જેથી દર્દીને બીજી હૉસ્લપિટલમાં લઈ  જવા માટે જણાવ્યું હતું પરંતુ તેના સગા વ્હાલા દર્દીને અન્ય હૉસ્પિટલમાં ન લઇ જતાં તેનું મોત થયું હતું.  છેલ્લા પંદર દિવસથી બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના દર્દીઓની સંખ્યા જેટ ગતિએ વધી રહી છે અને જિલ્લા કલેકટર અને આરોગ્ય વિભાગ રોજેરોજ બેઠક યોજી આરોગ્ય કોરોનાના દર્દીઓને પૂરતી સારવાર મળી રહે તે માટે વિચારણા કરે છે તેમ છતાં પણ આરોગ્યની સુવિધા સુધારવાને બદલે કથળી રહી છે, ત્યારે આજની પરિસ્થિતિ બાદ હવે તંત્રકંઈક શીખ મેળવી કોરોના ના દર્દીઓ માટે સુવિધા વધારશે કે પછી જૈસે થે જ રહેશે તે જોવું રહ્યું.

(9:16 pm IST)