ગુજરાત
News of Thursday, 15th April 2021

કબ્રસ્તાનમાં અગ્નિસંસ્કાર કરવા માટેની ખ્રિસ્તીઓની મંજૂરી

કોરોનાના સમયમાં અંતિમક્રિયાની રીતોમાં બદલાવ : પારસી સમાજે પણ અપીલ કરી, સામાન્ય સંજોગોમાં ખ્રિસ્તી કે પારસીના કબ્રસ્તાનમાં આ પ્રકારની મંજૂરી અપાતી નથી

અમદાવાદ, તા. ૧૫ : કોરોનાના કેસો સતત વધતા જ જઈ રહ્યા છે અને સ્મશાનોમાં મૃતદેહોના અગ્નિસંસ્કાર માટે લાઈનો લાગી રહી છે, ત્યારે અમદાવાદમાં આવેલા ખ્રિસ્તીઓના કબ્રસ્તાનમાં મૃતદેહોને અગ્નિસંસ્કાર કરવા દેવાની મંજૂરી આપતો નિર્ણય કરવામાં આવ્યો છે. કેથોલિક ડાયસિસએ તેના અનુયાયીઓને કહ્યું છે કે, કોરોનાની આ અત્યંત કપરી પરિસ્થિતિમાં ખ્રિસ્તી કબ્રસ્તાનોમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા દેવામાં આવે. શહેરના પારસી સમાજે પણ આ પ્રકારની અપીલ કરી છે. સામાન્ય સંજોગોમાં ખ્રિસ્તી કે પારસીઓના કબ્રસ્તાનમાં આ પ્રકારની મંજૂરી આપવામાં આવતી નથી.

અમદાવાદના ખ્રિસ્તીઓના જણાવ્યા મુજબ, બિશપ એથન્સિસ રેથ્ના સ્વામી ૧૨ એપ્રિલે પેસ્ટ્રોલ પત્ર લખીને સૂચન કર્યું હતું કે, કોરોનાથી મૃત્યુ પામેલાઓની અંતિમક્રિયાને મંજૂરી આપવી એક વિકલ્પ હોઈ શકે છે. ખ્રિસ્તીઓમાં ધાર્મિક માર્ગદર્શનને લગતી માહિતીને ખ્રિસ્તીઓમાં 'પેસ્ટ્રોલ' તરીકે ઓળખવામાં આવે છે. તેમાં કહેવાયું હતું કે, 'હાલની સ્થિતિમાં મૃતકોના સન્માનપૂર્વક અંતિમસંસ્કાર માટે વ્યવસ્થા કરવાનો ચર્ચ સામે પડકાર ઊભો કર્યો છે. આપણી પાસે કબ્રસ્તાનોમાં જગ્યાની પણ સમસ્યા છે. સંજોગોવસાત જો સેનિટરી, આર્થિક કે સામાજિક સમજૂતીને કારણે અગ્નિસંસ્કાર કરવાનું નક્કી કરવામા આવે તો આ પસંદગીનું ઉલ્લંઘન ન કરવું જોઈએ.'

આ મહામારીના સમયમા ચર્ચે તેની સામે કોઈ વાંધો ઉઠાવ્યો નથી કેમકે અગ્નિદાહથી મૃતકની આત્માને કોઈ અસર થતી નથી, એમ પત્રમાં કહેવાયું છે. હાલમાં, વટવા અને સાબરમતીના કબ્રસ્તાનમાં એક પાદરી છે, જે અંતિમવિધિ કરાવે છે. સૂત્રો મુજબ, દિલ્હી ચકલા પાસેનું બિલાડીબાગ લગભગ ૫૦ ટકા ભરાઈ ગયું છે. સૂત્ર મુજબ, 'પ્રોટોકોલના કારણે અમે હજુ પણ અહીં કોરોનાથી મૃત્યુ પામેલાઓને દફનાવી રહ્યા છીએ.' સૂત્રએ કહ્યું કે, કેથોલિકમાં અગ્નિસંસ્કારની ઘણા ઓછા લોકો મંજૂરી આપે છે.

બિશપના પત્રમાં વેટિકનને ઓગસ્ટ, ૨૦૧૬માં ઈશ્યૂ કરેલા 'ઈન્સ્ટ્રક્શન એડ રીસર્જન્ડમ કમ ક્રિસ્ટો'માં મૃતકોની દફનવિધિ અને અગ્નિસંસ્કાર કરવામાં આવે તો તે કેસમાં રાખને સાચવવા અંગે જણાવાયેલી વાતનો ઉલ્લેખ કરાયો છે. બિશપના પત્રમાં કહેવાયું છે કે, 'કોરોનાથી મૃત્યુ પામેલાના અગ્નિસંસ્કાર કરવા હાઈજિન અને જગ્યાના અભાવની દ્રષ્ટિએ યોગ્ય વિકલ્પ છે.' બિશપના પત્રમાં કહેવાયું છે કે, મૃતકોની રાખને પાદરીની હાજરીમાં પૂરા સન્માન સાથે સાચવવામાં આવશે. જે એ બાબતને સુનિશ્ચિત કરશે કે તે ચર્ચની અંતિમસંસ્કાર વિધિ મુજબ કરવામાં આવ્યું છે. પારસી સમાજે પણ આ પ્રકારે અંતિમસંસ્કાર કરવામાં તે દિશામાં પ્રયાસો શરૂ કર્યા છે. ખમાસાના અંજુમન વકિલ અદ્રાનના ઈર્વાદ ડો. ખુશરૂ ઘડિયાળીએ કહ્યું કે, 'કોરોનાથી મૃત્યુ પામેલા માટે જ અગ્નિસંસ્કારનો વિકલ્પ છે, અન્ય કારણોથી મૃત્યુ પામનારાઓ માટે નથી.' તેમણે કહ્યું કે, 'સામાન્ય રીતે પારસીઓ 'દોખમેનાશિનિ' પરંપરાને અનુસરે છે, જે વિજ્ઞાન પર આધારિત છે. પરંતુ હાલની મહામારીમાં અમારા સમાજે મૃતદેહોની અંતિમવિધિમાં સરકારની ગાઈલાઈનનું કડકાઈથી પાલન કરવાનો નિર્ણય લીધો.

(9:13 pm IST)