ગુજરાત
News of Thursday, 15th April 2021

ગુજરાત હાઇકોર્ટ હેઠળની તમામ સબોર્ડિનેટ અદાલતોમાં ૧૯ એપ્રિલથી ઓછામાં ઓછા સ્ટાફ સાથે તમામ ન્યાયાધીશો ઘરેથી વર્ચ્યુલ મોડમાં કાર્યવાહી કરશે

પક્ષકારો, આરોપીઓ, સાક્ષીઓ અને એડવોકેટની ગેરહાજરી માં એડવર્સ ઓર્ડર નહીં કરવા આદેશ

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટે આજે બપોર પછી એક સર્ક્યુલર જાહેર કરી ગુજરાત હાઇકોર્ટ હેઠળની તમામ સબોર્ડિનેટ અદાલતોને વર્ચ્યુલ મોડમાં જ કામ કરવા આદેશ આપ્યો છે અને ઓછામાં ઓછા સ્ટાફથી કામ ચલાવવા કહયું છે. ૧૯એપ્રિલથી આ હુકમ અમલમાં આવશે.

ન્યાયાધીશો (જુડીશીયલ ઓફિસરો) પોતાના નિવાસસ્થાનેથી કામકાજ કરશે. માત્ર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને એવું લાગે કે કેટલાક તાલુકાઓ કે અંતરિયાળ વિસ્તારોમાં, જ્યાં ઇન્ટરનેટ કનેકટીવિટીનો પ્રશ્ન સર્જાય તેમ હોય અને ઘરેથી કામ કરવું શક્ય ન હોય, તેવા સંજોગોને બાદ કરતા ન્યાયાધીશો પોતાના નિવાસસ્થાનેથી કામ કરશે.

 એડવોકેટો, પક્ષકારો, સાક્ષીઓ અથવા આરોપી વ્યક્તિઓની ગેરહાજરીમાં ન્યાયાધીશો કોઈ એડવર્સ  ઓર્ડર પસાર કરશે નહીં. ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલની સહીથી આ સર્ક્યુલર જાહેર થયો છે. જેનો અમલ ૧૯ એપ્રિલ થી કરવાનો રહેશે.

(6:21 pm IST)