ગુજરાત
News of Thursday, 15th April 2021

ગાંધીનગરમાં દિવસેને દિવસે કોરોના પોજીટીવ સંખ્યામાં વધારો:હોસ્પિટલોમાં ઓક્સિજનના અભાવે દર્દીઓની હાલત કફોડી

ગાંધીનગર: શહેર અને જિલ્લામાં કોરોનાના કેસોમાં દિનપ્રતિદિન વધારો નોંધાઈ રહયો છે તો બીજી તરફ પુરતી સગવડતા નહીં મળવાના કારણે અનેક દર્દીઓ મોતને પણ ભેટી રહયા છે. દહેગામ શહેર અને તાલુકામાં પણ કોરોનાના કેસ બેકાબુ બન્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધી રહેલા કેસોથી લોકોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે ખાનગી હોસ્પિટલોમાં બેડની અછત છે તો રેમેડીસીવીર ઈન્જેકશન માટે પણ દર્દીઓના સ્વજનો આમથી તેમ ભટકવું પડે છે. કોરોના દર્દીઓ માટેના ઈન્જેકશનો ઉપલબ્ધ ના હોવાથી સ્વજનોને ભારે હાડમારી ભોગવવી પડે છે તો ઘણા કિસ્સામાં ઉંચી કિંમત ચુકવીને ઈન્જેકશન લાવવા પડે છે. ઈન્જેકશનની અછત હોવાના કારણે ખાનગી તબીબો પણ સારવારમાં લાચાર બન્યા છે. શહેરમાં આવેલી જેટલી ખાનગી હોસ્પિટલોને કોવિડ સારવારની મંજુરી આપી દેવામાં આવી છે પરંતુ હોસ્પિટલોને ઈન્જેકશન ના ફળવાતાં રઝળી પડવાની નોબત આવી રહી છે. આમ તાલુકાના લોકો હાલમાં ઓક્સિજન અને ઈન્જેકશનના અભાવે મુશ્કેલીનો સામનો કરી રહયા છે ત્યારે દહેગામના ધારાસભ્ય બળદેવસિંહ ચૌહાણે જિલ્લા કલેકટર સમક્ષ ઈન્જેકશન તેમજ ઓક્સિજનનો જથ્થો દહેગામની કોવિડ હોસ્પિટલો તથા સીએચસી ખાતે ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી. હાલની પરિસ્થિતિથી કલેકટરને વાકેફ કરીને સત્વરે જથ્થો ફાળવવાનું પણ જણાવ્યું હતું. 

(5:45 pm IST)