પેટલાદ શહેર પોલીસે સાંજના સુમારે મકાનમાં છાપો મારી હારજીતનો જુગાર રમતા 7 શખ્સોને 9 હજારની રોકડ સાથે ઝડપ્યા
પેટલાદ: શહેર પોલીસે આજે સાંજના સુમારે ઝંડા બજાર ભોલુવાડના એક મકાનમાં છાપો મારીને પત્તા પાનાનો જુગાર રમતાં ૭ શખ્સોને ઝડપી પાડીને તેમની પાસેથી રોકડા ૯૭૦૦ તેમજ મોબાઈલ, વાહનો મળીને કુલ ૧.૩૩ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર પેટલાદ શહેર પોલીસને હકીકત મળી હતી કે, ઝંડા બજાર ભોલુવાડમાં રહેતા લતીફબેગ શરીફબેગ મીર્ઝાના મકાનમાં જુગારનો અડ્ડો ચાલી રહ્યો છે જેથી પોલીસે છાપો મારતાં સાત શખ્સો ઝડપાઈ જવા પામ્યા હતા. જ્યારે બે શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસને દાવ પરથી ૧૭૫૦, અંગજડતીમાંથી ૭૯૫૦, ૫ મોબાઈલ તેમજ બે વાહનો મળીને કુલ ૧,૩૩,૨૦૦નો મુદ્દામાલ મળી આવતાં તે જપ્ત કર્યો હતો. પકડાયેલા શખ્સોના નામઠામ પુછતાં મોજીદભાઈ ઉર્ફે મોજુ ઈલમોદ્દીન શેખ, મોઈનોદ્દીન ઉર્ફે રાજુ જમીરોદ્દીન મલેક, અસ્વાકઅલી યુનુશઅલી સૈયદ, સમીરઅલી આરીફઅલી સૈયદ, શાહીદબેગ મકસુદબેગ મીર્ઝા, વજીયોદ્દીન નસીરોદ્દીન મલેક, ઈરફાનુદ્દીન મૈયુદ્દીન શેખ ઝડપાઈ જવા પામ્યા હતા. જ્યારે ફૈયાજુદ્દીન નાજુમુદ્દીન શેખ અને ઈમ્તીયાઝબેગ ઉર્ફે રાજુ અબ્દુલહમીદ મીર્જા ફરાર થઈ જવા પામ્યા હતા.