ગુજરાત
News of Sunday, 15th April 2018

મેનકા ગાંધીની હાજરીથી અહીંનો માહોલ દુષિત થઇ ગયો હતોઃ વડોદરામાં દલિતોઅે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા દુધથી ધોઇ

વડોદરાઃ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીની હાજરીમાં વડોદરા ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ બાદ દલિતોઅે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને દુધથી ધોઇ હતી.

ભીમરાવ આંબેડકરની 127મી જ્યંતી ઉપર મેનકા ગાંધી અને ભાજપના અન્ય નેતાઓએ વડોદરામાં આંબડકરની પ્રતિમા ઉપર ફૂલ ચઢાવ્યા હતા. ત્યારબાદ તરત જ દલિત સંગઠનના કાર્યકર્તાઓએ પ્રતિમાને ધોઇને સાફ કરી હતી. એક દલિત નેતાએ દાવો કર્યો હતો કે, તેમની હાજરીથી અહીંનો માહોલ દૂષિત થઇ ગયો હતો. વડોદરાના મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલના એસસી-એસટી કર્મચારી સંઘના મહાસચિવ ઠાકરો સોલંકનીએ દાવો કર્યો કે આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા માટે દલિત કાર્યકર્તા ભાજપ નેતાઓથી પણ પહેલા પહોંચ્યા હતા. દલિત સંગઠનના કાર્યકર્તાએ રેસ કોર્ટના જીઈબી સર્કિલ પર મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધી અને પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. મેનકા ગાંધી શહેરમાં આયોજીત અનેક કાર્યકર્મોમાં હાજરી આપવા માટે આવ્યા હતા.

ભાજપના સાંસદ રંજનબેન ભટ્ટ, શહેરના મેયર ભરત ડાંગર, ભાજપ ધારાસભ્ય યોગેશ પટેલ અને અન્ય ભાજપના કાર્યકર્તાઓ સાથે મેનકા ગાંધી આંબેડકરની પ્રતિમા પર પહોંચી હતી. સોલંકીના નેતૃત્વમાં દલિત સંગઠનના કાર્યકર્તાઓએ તેમના વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. જેના પર કાર્યકર્તાઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે વિવાદ થયો હતો. જોકે, આ દરમિયાન કોઇ અપ્રિય ઘટના થઇ ન્હોતી.

મેનકા ગાંધી અને બાકીના નેતાઓએ સવારે આશરે નવ કલાકે પ્રતિમા ઉપર ફૂલ ચઢાવી કાર્યક્રમ સ્થળથી રવાના થઇ ગયા હતા. ત્યારબાદ દલિત કાર્યકર્તાઓએ એ કહીને પ્રતિમાને દૂધ અને પાણીથી ધોઇને સાફ કરી હતી કે ભાજપના નેતાઓની હાજરીથી માહોલ દૂષિત થઇ ગયો હતો.

સોલંકીએ જણાવ્યું હતું કે, અમે પોલીસને કહ્યું હતું કે ભાજપના નેતાઓના આવ્યા પહેલા જ અમે લોકો અહીં આવી ગયા હતા. એટલા માટે પ્રતિમા ઉપર પહેલા શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો અધિકાર અમારો છે. જોકે, પોલીસે પ્રોટોકોલનો હવાલો આપીને અમને પ્રતિમા ઉપર ફૂલ ચઢાવવાથી રોક્યા હતા. પહેલા ફૂલ ચઢાવવાનો અધિકાર મેયરનો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મેનકા ગાંધી અને અન્ય ભાજપ નેતાઓ પહોચ્યા પછી જીઈબી સર્કલ પર પ્રતિમા અને માહોલ બંને દૂષિત થઇ ગયા હતા. એટલા માટે ભાજપ નેતાઓના ત્યાંથી ગયા પછી આંબેડકરની પ્રતિમાને દૂધ અને પાણીથી ધોઇ હતી.

મેનકા ગાંધીના પહોચ્યા પહેલા ભાજપના પ્રાંતીય એકમના એસસી-એસટી સેલના મહાસચિવ જીવરાજ ચૌહાણનો પણ દલતિ કાર્યકર્તાઓએ ઘેરાવ કર્યો હતો. કાર્યકર્તાઓએ ચૌહાણ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. જેના પગલે તેમને ત્યાંથી ભાગવું પડ્યું હતું.

(8:14 pm IST)