ગુજરાત
News of Friday, 15th March 2019

અક્ષય અને પરિણિતી ચોપરા અમદાવાદના મહેમાન થયા

અક્ષય છ કિલોની પાઘડી પહેરીને યુદ્ધ કરતો દેખાશેઃ બેટલ ઓફ સારાગઢી પરની ફિલ્મ ૨૧મી માર્ચે રિલિઝ

અમદાવાદ, તા.૧૫: બેટલ ઓફ સારાગઢી (૧૮૯૭માં ૨૧ શીખ સૈનિકોએ ૧૦,૦૦૦ અફઘાન મિલિટ્રી સામે લડત આપી હતી) પર આધારિત ફિલ્મ કેસરીના પ્રમોશન અર્થે સુપરસ્ટાર અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા આજે અમદાવાદના મહેમાન બન્યાં હતા. ફિલ્મના પ્રમોશનને લઇ અક્ષયકુમાર અને પરિણિતી ચોપરાએ ઘણી મહત્વની અને રસપ્રદ વાતો પણ કરી હતી. સાથે સાથે દર્શકોએ કયારેય જોઇ ના હોય તેવી સ્ટોરી અને શોર્યની ગાથા આ ફિલ્મમાં જોવા મળશે અને તેથી ફિલ્મને બહુ અદ્ભુત પ્રતિસાદ મળશે તેવી આશા પણ તેમણે સેવી હતી.  કેસરી એ એક એક્શન-વોર ફિલ્મ છે, જેનાં ડાયરેક્ટર અનુરાગ સિંહ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર હવાલદાર ઈશર સિંહના પાત્રમાં જોવા મળશે. ફિલ્મની વાર્તા સારાગઢીના યુદ્ધ પર આધારિત છે. ખાસ વાત એ છે કે, આ ફિલ્મમાં અક્ષય છ કિલોની પાઘડી પહેરીને યુદ્ધ કરતાં જોવા મળશે. અક્ષયે આ પાઘડી પહેરવા માટે પોતાના વાળ પણ કપાવ્યા કે જેથી પાઘડી પહેરવામાં કોઈ પરેશાની ન થાય. આ ફિલ્મના ટ્રેલરમાં દર્શાવવામાં આવેલ ડાયલોગ્સ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યાં છે. ફિલ્મ વિશે વાત કરતાં અક્ષય કુમારે જણાવ્યું હતું કે, કેસરી ફિલ્મ એ વીરતા, બલિદાન અને બહાદૂરીની અત્યાર સુધી ક્યારેય સામે ન આવેલી વાર્તા છે. આ ફિલ્મ ૧૮૯૭માં થયેલ બેટલ ઓફ સારાગઢી પર આધારિત છે. વિશ્વના પાંચ મોટા યુદ્ધમાં સારાગઢી યુદ્ધનો સમાવેશ થાય છે. બહુ ઓછા લોકો સારાગઢી યુદ્ધ વિશે જાણે છે. આ ફિલ્મને શાળામાં અભ્યાસ કરતાં બાળકોને બતાવવાંમાં આવે એવી મારી આશા છે. કેસરી ફિલ્મમાં અક્ષય કુમાર સાથે પરિણીતી ચોપરા પણ મહત્વના રોલમાં જોવા મળશે. કરણ જોહર અને હીરુ જોહરે પોતાના ધર્માં પ્રોડક્શનના બેનર હેઠળ આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે, જે સમગ્ર ભારતના સિનેમાઘરોમાં ૨૧ માર્ચ, ૨૦૧૯ના રોજ રિલીઝ થશે. ફિલ્મને લઇ સ્ટારકાસ્ટની સાથે સાથે દર્શકો પણ ભારે ઉત્સાહિત અને ઉત્સુક છે.

(9:45 pm IST)