ગુજરાત
News of Friday, 15th March 2019

સુરતના પુણા ગામમાં મતની ભીખ માંગવા ન આવવા જેવા બેનરો લાગ્યાઃ સાંસદો-ધારાસભ્યોને ગામમાં પ્રવેશ ન કરવા ચેતવણી

સુરતઃ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની સાથે જ રાજકીય પક્ષોની સાથે-સાથે પ્રજા પણ લોકશાહીના આ મહાપર્વમાં જોડાવા માટે તૈયાર થઈ ગઈ છે. આજે ચોરે ને ચૌટે રાજકારણની જ ચર્ચા સાંભળવા મળતી હોય છે અને રાજકીય પોસ્ટરો જોવા મળતા હોય છે. જોકે, સુરત શહેરના પુણા ગામમાં કંઈક અનોખા પ્રકારના પોસ્ટર જોવા મળી રહ્યા છે, જેમાં સાંસદો-ધારાસભ્યો પર ગામમાં પ્રવેશબ પર પ્રતિબંધ ફરમાવાયો છે.

સુરત શહેરનો પુણા ગામ વિસ્તાર બારડોલી લોકસભા બેઠકમાં અને કામરેજ વિધાનસભા બેઠકમાં સમાવિષ્ઠ છે. ગામમાં ઠેર-ઠેર લગાવાયેલા પોસ્ટરોમાં સાંસદ-ધારાસભ્ય સામે પ્રવેશ પર પ્રતિબંધનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે.

પોસ્ટરમાં લખ્યું છે કે, "છેલ્લા પાંચ વર્ષથી ગાયબ રહેલા સાંસદ સભ્ય તેમ જ ધારાસભ્યએ મતની ભીખ માંગવા પુણા ગામમાં આવવું નહીં."

આ સાથે જ તેમાં ચેતવણી પણ લખવામાં આવી છે કે, "આમ છતાં જો ગામમાં પ્રવેશ કરશો અને કોઈ ઘટના બનશે તો તેની સૂંપૂર્ણ જવાબદારી આપશ્રીની પોતાની રહેશે." પોસ્ટરમાં નીચે આ ચેતવણી આપનારા વ્યક્તિઓ તરીકે 'પુણાગામના રહીશો' લખવામાં આવ્યું છે.

આમ, આ પોસ્ટરો જોતાં લોકોમાં પોતાના વોટની કિંમત સમજાઈ હોય એવું સમજાઈ રહ્યું છે. વોટ લઈને પછી બીજા પાંચ વર્ષ સુધી પોતાના વિસ્તારની મુલાકાત ન લેતા સાંસદો અને ધારાસભ્યોએ આ પોસ્ટરમાંથી કંઈક શીખવા જેવું છે. આજે એક ગામમાં આવા પોસ્ટર લાગ્યા છે, આવતીકાલે બીજા લોકો પણ આ રીતે જાગૃત થઈ શકે છે.

(4:33 pm IST)