ગુજરાત
News of Friday, 15th March 2019

ધારાસભાની પેટાચૂંટણી સાથે છે તેવા મતદાન મથકોમાં બબ્બે મતકુટિરઃ લોકસભાનું મતપત્રક સફેદ, ધારાસભાનું ગુલાબી

'રંગ' બદલવાવાળા ભલે બદલે, તમે રંગ જોઇને મત આપજો : એક સાથે બે મત આપવાના હોવાથી મતદાર દિઠ વધારાની સાત-સાત સેકન્ડ જશે

રાજકોટ તા.૧૫: ગુજરાતમાં ૨૩ એપ્રિલે લોકસભાની પેટાચૂંટણી સાથે પ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી થનાર છે. જયાં પેટાચૂંટણી થનાર છે તેવા મતક્ષેત્રો ઉંઝા, તાલાળા, જામનગર ગ્રામ્ય, માણાવદર અને હળવદ-ધ્રાંગધ્રાના મતદારોને એક સાથે બબ્બે મત આપવાની તક મળશે. આ પાંચેય મતક્ષેત્રોમાં લોકસભાની ચૂંટણી માટે જરૂરી હોય તે ઉપરાંત વધારામાં એક એક મત મશીન અને વીવીપેટ રાખવામાં આવશે. આ ક્ષેત્રના દરેક મતદાન મથકમાં બબ્બે મતકુટિર રાખવામાં આવશે.

ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા મુજબ લોકસભા અને ધારાસભાની ચૂંટણી માટે અલગ-અલગ રંગના બેલેટ પેપર (મતપત્રક) હશે. લોકસભાની ચૂંટણી માટે મત મશીનમાં સફેદ અને વિધાનસભાની ચૂંટણી માટે ગુલાબી મતપત્રક દેખાશે. મતકુટિરની બહાર તેનો નમૂનો ચોપડવામાં આવશે. બન્ને ચૂંટણી ભેગી છે તેના મતદારો બે મત આપી શકશે. જો કોઇ મતદાર માત્ર એક જ મત આપવા ઇચ્છે તો તેની અલગ નોંધ કરવામાં આવશે મતદારની સહી અને શાહીનું ટપકું વગેરે પ્રક્રિયા એક જ વખત થશે. બે ચૂંટણી ભેગી હોય ત્યાં વધારાના એક કર્મચારીની જરૂર પડશે. એક મત આપવામાં સરેરાશ ૭ સેકન્ડ જેટલો સમય થતો હોય છે. એક મતદારે બે મત આપવાના હોય ત્યાં વધારાની સાત-સાત સેકન્ડ વપરાશે. આવા મતદાન મથકો પર અન્ય મતદાન મથકોની સરખામણીએ વધુ ગીર્દી થવાની શકયતા રહેશે. એક ધારાસભા મતક્ષેત્ર દિઠ સરેરાશ ૩૦૦ મતદાન મથકો હોય છે તે રીતે જોતા પ વિધાનસભા ક્ષેત્રોની પેટાચૂંટણી હોવાથી ૧૫૦૦ જેટલા મતદાન મથકોમાં એક સાથે બે મત (લોકસભા અને ધારાસભા) આપવાની વ્યવસ્થા ચૂંટણી તંત્રએ કરવી પડશે.

(3:46 pm IST)