ગુજરાત
News of Friday, 15th March 2019

ભરૂચના કોલેજ રોડ પર કાર ચાલકે ટક્કર મારતા એક્ટિવા સવાર બાળકનું મોત :દીકરી અને મહિલાની હાલત ગંભીર

દિકરીની વર્ષગાંઠ નિમિત્તે હોટલમાં જમવા જતા પરિવાને અકસ્માત નડ્યો

ભરૂચ કોલેજ રોડ ઉપર આવેલ એક હોટલમાં દિકરીની વર્ષગાંઠ નિમિત્તે હોટલમાં જમવા જતા પરિવારની એકટીવાને કાર ચાલકે ટક્કર મારતા ૧૧ વર્ષીય માસુમ બાળક્નું કરૂણ મોત નિપજયું હતું.જયારે એકટીવા પર સવાર ૭ વર્ષીય દિકરી અને એક મહિલાની હાલત નાજુક બની હતી.

  આ અંગેની વિગત મુજબ ભરૂચના લીંક રોડ ઉપર આવેલ રંગ અવધુત સોસાયટીના બી-૧૨માં પરિવાર સાથે રહી માંગરોલ કોર્ટમાં સુપ્રિટેન્ડંન્ટ ની ફરજ બજાવતા રવિ અરવિંદ પટેલ(ઉ.વર્ષ ૩૮) તા.૧૪મીના રોજ તેમની ૭ વર્ષીય દિકરી કેયાની વર્ષગાંઠ હોય રાતે ૮.૩૦ કલાકની આસપાસ અલગ-અલગ ટુ વ્હીલર પર પરિવાર તેમજ રવિ પટેલની ઝઘડીયા કોર્ટમાં આસી.પબ્લીક પ્રોસીક્યુટર તરીકે ફરજ બજાવતી મિત્ર નિહારિકા પ્રાણ્ભાઇ ઉમરીયા સાથે ભરૂચ કોલેજ રોડ ઉપર આવેલ હોટલ આશિષ ઉપર જમવા જતા હતા.દરમિયાન કોલેજ રોડ ઉપર આવેલ ગોવર્ધન હોસ્પીટલ અને સી.એન.જી પંપની વચ્ચેના રોડ ઉપરથી પસાર થતી વેળા એક સિલ્વર કલરની હોન્ડા અમેઝ નંબર GJ-16-BG-1974ના ચાલકે નશામાં ધુત બની અચાનક પુર ઝડપે ધસી આવી નિહારીકાની એકટીવાને ટકકર મારી એકટીવા પર સવાર નિહારિકા,કેયા તેમજ ૧૧ વર્ષીય વેદાંત પર ફોરવ્હીલ ચઢાવી દેતા ત્રણેવને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

આ અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા તેમજ અન્ય ટુ વ્હીલર જ્યુપીટર પર રવિ પટેલ અને તેમના પત્ની કે જેઓ આશરે ૧૦ ફૂટ પાછળ હોય ઘટના સ્થળે પહોંચ્યા હતા.જેથી ત્રણેવને તત્કાલ સારવાર અર્થે ખાનગી વાહન મારફતે હીલીંગટચ હોસ્પીટલ ખસેડાયા હતાં જયાં હાજર તબીબે ૧૧ વર્ષીય વેદાંતને મૃત જાહેર કર્યો હતો.જ્યારે નિહારિકા તેમજ ૭ વર્ષીય કેયાની હાલત નાજુક હોય તત્કાલ તેમની સારવાર આરંભી હતી.

આ ઘટનાની જાણ થતાં જ સિ-ડિવિઝન પોલીસે તત્કાલ ઘટના સ્થળે દોડી જઈ અકસ્માત સર્જનાર કારચાલક તથા કારમાં સવાર અન્ય એકને ઝડપી લઈ તેમના વિરૂધ આગળની કાર્યવાહી આરંભવા સાથે મૃતક વેદાંતની લાસને પી.એમ. અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.

(12:30 pm IST)