ગુજરાત
News of Friday, 15th March 2019

ગુજરાતમાં તવારીખી ઘટના : લોકસભાની સાથે ધારાસભાની પ બેઠકોની પેટાચૂંટણી

ઉંઝા, તાલાળા, માણાવદર, ધ્રાંગધ્રા અને હવે જામનગર ગ્રામ્ય જાહેર : ભાજપ પાંચમાંથી એક પણ બેઠક જીતે તો ગૃહમાં 'સદી' પાર કરી જશે

રાજકોટ, તા. ૧પ : ગુજરાતમાં વિપક્ષી સભ્યોના રાજીનામાથી એક સાથે પ બેઠકો ખાલી પડે અને લોકસભાની ખાલી પડે અને લોકસભાની સાથે જ પેટાચૂંટણી આવે તેવી તવારીખી ઘટના બની છે કદાચ ગુજરાતમાં આવી પહેલી જ ઘટના હોય તેવી માન્યતા છે. ઉંઝા, હળવદ-ધ્રાંગધ્રા, માણાવદર અને જામનગર ગ્રામ્યનું મતદાન ર૩ એપ્રિલે યોજવાનું જાહેર થઇ ગયું છે. આ ચારેય બેઠકો કોંગી ધારાસભ્યોના રાજીનામાથી ખાલી પડી છે. પાંચમી તાલાળાની બેઠક કોંગી સભ્ય સસ્પેન્ડ થવાથી ખાલી થઇ છે. પાંચેયની પેટાચૂંટણી લોકસભાની સાથે જ થશે.

ધારાસભાની ર૦૧૭ની ચૂંટણીમાં કોંગીને ૭૭ અને ભાજપને ૯૯ બેઠકો મળેલ જસદણના કુંવરજીભાઇ બાવળિયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા પછી પેટાચૂંટણીમાં વિજેતા બનતા ભાજપનું સંખ્યાબળ ૧૦૦ સભ્યોનું થઇ ગયું છે. હવે પેટાચૂંટણીમાં ભાજપ માટે વકરો એટલો નફો છે. ભાજપ એક પણ બેઠક જીતે એટલે સદી પાર કરી જશે.

(11:45 am IST)