ગુજરાત
News of Friday, 15th March 2019

નિકાસના અભાવે સીંગદાણાના ૮૦ ટકા યુનિટો બંધ!

મગફળીનું સારૂ ઉત્પાદન છતા કવોલીટી દાણાની માંગ વિદેશમાં ઘટતા આવતા વર્ષે ખેડૂતોને મગફળીમાં મોટો ફટકો પડે તેવી વકીઃ નિકાસને પ્રોત્સાહન આપવા વેપારીઓની માંગણી

અમદાવાદ તા.૧૫: મગફળીનું બમ્પર ઉત્પાદન છતા નિકાસના અભાવે સીંગદાણાના ૮૦ ટકા યુનિટો બંધ થઇ ગયા છે. મગફળીનું સારૃં ઉત્પાદન છતાં તેના કવોલીટી દાણાની માંગ વિદેશમાં નથી. તેથી ખેડૂતોની આવતા વર્ષે મગફળીમાં મોટો માર પડી શકે તેવું બજાર બની ગયું છે. ર વર્ષથી મગફળીનું બમ્પર ઉત્પાદન અને પુરવઠો હોવા છતાં નિકાસને ગંભીર ફટકો પડવાથી સીંગદાણાના ૮૦ ટકા યુનિટો બંધ થઇ ગયા છે. સૌરાષ્ટ્રમાં સીંગદરાણા બનાવવાનો ઉદ્યોગ પરંપરાગત અને લઘુ પ્રકારનો છે. અસંખ્ય યુનિટો બંધ થઇ જવાને લીધે રોજગારીના પણ પ્રશ્નો સર્જાયા છે. કારખાના બંધ થવાના કારણે મગફળીમાંથી દાણા બનાવવામાં થતી ડિસ્પેરીટી અને નિકાસનો અભાવ ગણાવવામાં આવે છે. ગુજરાતભરમાંથી આશરે ૧૮૦૦ થી ૨૦૦૦ જેટલા સીંગદાણાના યુનિટો આવેલા છે. મોટા યુનિટોની સંખ્યા બહુ ઓછી છે, મોટેભાગે નાના કદમાં ગૃહ ઉદ્યોગ તરીકે કારખાનાઓ વધારે ચાલે છે. મોટાભાગના અર્થાત ૮૦ ટકા કારખાના બંધ પડી ગયા છે. જે યુનિટો ચાલે છે તેમાં કટકે કટકે કામકાજ થઇ રહ્યું છે. આ સ્થિતિ છેલ્લા દોઢક માસથી ચાલી રહી છે.

ગુજરાત ઓઇલ સીડ્ઝ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ મુકુંદભાઇ શાહ કહે છે, મગફળી ખરીદીને સીંગદાણા બનાવવામાં પડતર લાગતી નથી એટલે ઉદ્યોગની મુશ્કેલી વધી છે.

સીંગદાણાનો ભાવ સૌરાષ્ટ્રમાં ટન દીઠ રૂ. ૬૦,૦૦૦ થી ૬૭,૦૦૦ સુધી ગુણવત્તા પ્રમાણે ચાલે છે. મગફળી રૂ. ૪૫,૦૦૦ કે તેનાથી ઊંચા ભાવમાં મળે છે. પોસાણ નથી.વળી, ખૂલ્લા બજારમાં મગફળીનો જથ્થો ઉપલબ્ધ નથી. નાફેડ પાસે આશરે ૬ લાખ ટન મગફળી છે પણ વેચવાની શરતોને કારણે બજારમાં છૂટથી માલ આવી શકતો નથી. સીંગદાણાનું એ કારણે તેલ નીકળી ગયું છે.

સૌરાષ્ટ્રમાં માર્કેટિંગ યાર્ડોમાં મગફળીની આવક ૧૦-૧૨ હજાર ગુણી કરતા વધારે થતી નથી. ગોંડલ જેવા મહત્વના પીઠામાં ફકત પાંચ હજાર ગુણી આવક થાય છે રાજકોટમાં ય માંડ ચારેક હજાર ગુણી આવી છે. એ સિવાયના સૌરાષ્ટ્રમાં કયાય નોંધપાત્ર આવક પણ નથી. આવકનો આ જથ્થો એકાદ મિલની રોજિંદી જરૂરિયાત જેટલો છે. નાફેડની મગફળી બજારમાં ખૂબ ધીમે આવે છે. આમ તેલ મિલોની સાથે દાણા ઉત્પાદકો ય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નાફેડની મગફલી સરળતાથી સરળતાથી ઉપલબ્ધ બને તો ચાલનારા કારખાનાની સંખ્યા વધશે.

દલાલ શાંતિલાલ નારણદાસના નીરજ અઢિયા કહે છે, સીંગદાણાની નિકાસને આફ્રિકાને કારણે ગંભીર ફટકો પડ્યો છે એ કારણે પણ ઉદ્યોગની દશા બગડી છે. આફ્રિકામાંથી સુદાન અને નાઇઝિરિયા જેવા દેશો ૮૨૫-૮૩૦ ડોલર પ્રતિ ટનના ભાવથી ઇન્ડોનેશિયા, મલેશિયા અને ફિલિપાઇન્સમાં નિકાસ કરી રહ્યા છે. ભારતની સીંગદાણાની ઓફર આ દેશોને ૧૦૦૦ ડોલરથી નીચાં ભાવમાં થતી નથી. માગ આફ્રિકા તરફ ડાઇવર્ટ થઇ ગઇ છે. આફ્રિકામાં હવે સીંગદાણાના કારખાનાની સંખ્યા વધતી જાય છે અને માલની ગુણવતા પણ ભારતની તુલનાએ ઉત્તમ બને છે. ભારતના બોલ્ડ સીંગદાણામાં જ અત્યારે યુક્રેન રશિયા અને તાઇવાનની માગ છે. ઝીણાં દાણામાં નિકાસ નહીંવત છે. હવે દક્ષિણ ભારતમાં દાણા મળી રહ્યા છે એટલે ત્યાંથી માલની રવાનગી થાય છે. સરકાર હવે સીંગદાણાની નિકાસને પ્રોત્સાહન આપે તો આ ઉદ્યોગ અને ભારતની નિકાસ જળવાઇ શકે તેમ હોવાનું ઉદ્યોગ વર્તુળોએ કહ્યું હતું. નિકાસ માટે રજુઆતો પણ થઇ છે. જોકે, કોઇ હકારાત્મક નિર્ણય લેવાયો નથી.

સૌરાષ્ટ્રમાં પીનટ પ્રમોશન કાઉન્સીલ શરૂ થાય એ માટે કેન્દ્ર સરકાર સૌરાષ્ટ્ર ઓઇલ મીલ્સ એસોસીએશન સાથે બે વખત ઉચ્ચસ્તરની બેઠક કરી ચુકી છે. બીજી તરફ સીંગદાણાની નિકાસને કોઇ જ પ્રોત્સાહન અપાતું નથી એ આશ્ચર્ય ઉપજાવે તેવી વાત છે. સોમા કહે છે, તમામ કૃષિ ચીજોને ૧૦ ટકા સુધીનું નિકાસ પ્રોત્સાહન આપવામાં આવે છે. સીંગદાણાને શા માટે એમાંથી બાકાત રાખવામાં આવ્યા છે ત સમજાતું નથી. સીંગદાણાના નિકાસ વડે ભારતને મોટું વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થાય છે. સરકારમાં આ મુદે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે. છતાં સીંગદાણાને હજુ નિકાસ પ્રોત્સાહનનો લાભ મળી રહ્યો નથી.

સીંગદાણાની નિકાસને ગંભીર ફટકો  ભારતીય સીંગદાણાની નિકાસ પાછલા બે વર્ષથી ઉતરોતર ઘટી રહી છે. એપેડાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ૧૦ મહિનામાં નિકાસ ર૧.૬૮ ટકા જેટલી ઘટી ગઇ છે. એપ્રિલથી જાન્યુઆરી માસના આંકડાઓમાં ચાલુ વર્ષે નિકાસ ૩,૯૪,૦પ૪ ટનની થઇ છે. અગાઉના વર્ષમાં પ,૦૩,૧પપ ટનની નિકાસ કરવામાં આવી હતી.

(11:45 am IST)