ગુજરાત
News of Thursday, 14th March 2019

ડાંગના દરબારના લોકમેળા દરમિયાન આહવાના મુખ્ય માર્ગો પર વાહનોની આવાગમન પર પ્રતિબંધ

16મીની સવારે 7 વાગ્યાથી 19મીના રાત્રીના 12 વાગ્યા સુધી માર્ગો બંધ રહેશે

 

આહવા: ડાંગ દરબારના લોકમેળા દરમિયાન ઉમટતા પ્રજાજનોની સલામતી અને કોઇ અઘટિત બનાવ બને તે માટે આહવાના મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે

   અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ટી.કે.ડામોરે પ્રસિદ્ધ કરેલા જાહેરનામા મુજબ 16 માર્ચના રોજ સવારના 7 વાગ્યાથી 19 માર્ચનાં રોજ રાત્રીના 12 વાગ્યા સુધી આહવાની પી.ડબ્લ્યુ.ડી. ઓફિસથી આહવા ગ્રામ પંચાયતના કાર્યાલય વચ્ચેનો મુખ્ય માર્ગ બંધ કરાયો છે. તે સાથે આહવા પોસ્ટ ઓફિસની સામે આવલા શહિદ સ્મારકથી રંગ ઉપવન તરફનો શ્રી મોરારજી દેસાઇ માર્ગ પણ મોટર વાહનો તથા ભારે વાહનો માટે બંધ કરાયો છે. ઉપરાંત દિવસો દરમિયાન માર્ગો ઉપરથી પશુઓના આવાગમન ઉપર પણ પ્રતિબંધ જાહેર કરાયો છે.

   વાહન ચાલકોની સરળતા માટે પી.ડબ્લ્યુ.ડી. ઓફિસ ફૂવારા સર્કલથી આશ્રમ રોડ થઇને, સિવિલ હોસ્પિટલ, ગાંધી કોલોની થઇ હાઇસ્કૂલ રોડ તરફથી સરદાર વલ્લભભાઇ પટેલ માર્ગથી એસ.ટી.ડેપો જતા માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે.

પ્રતિબંધ આદેશ પીવાના પાણીની સેવા, ગંદા પાણીના નિકાલની સેવા, તબીબી સેવાઓ, કાયદો અને વ્યવસ્થાની જાળવણીની સેવા જેવી આવશ્યક સેવાઓ પુરી પાડવા જતા અધિકૃત વાહનો, અધિકારી/કર્મચારીઓ તથા સરકારી ફરજ ઉપર હોય તેવા સરકારી વાહનો તથા તેના અધિકારી/કર્મચારીઓને લાગુ પડશે નહીં.

હુકમનો ભંગ કરનાર ઇસમો સામે ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-135 મુજબ કાર્યવાહી હાથ ધરાવામા આવશે.

(12:15 am IST)