ગુજરાત
News of Thursday, 14th March 2019

અમદાવાદ આર.આર.સેલે અલીણામાં રેસ્ટોરન્ટની પાછળ ચાલતી ઓરડીમાં દરોડા પાડી 15 જુગારીઓને રંગે હાથે દબોચ્યા

અમદાવાદ: આરઆર સેલે મહુધા તાલુકાના અલીણામાં આવેલી એક રેસ્ટોરન્ટની પાછળ આવેલી ઓરડીમાં ચાલતુ જુગારધામ ઝડપી પાડીને ૧૫ શખ્સોને રોકડ, મોબાઈલ સહિત અન્ય સાધનસામગ્રી સાથે કુલ ૭૯ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને જુગારધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંકુશમાં લેવાના ઉદ્દેશથી આર.આર. સેલ અમદાવાદ રેન્જની ટીમ આજરોજ ખેડા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન માહિતી મળી હતી કે, મહુધા તાલુકાના અલીણા ચોકડી નજીક ડાકોર રોડ પર આવેલ અતિથી ગાર્ડન રેસ્ટોરન્ટની પાછળ આવેલ એક ઓરડીમાં અમદાવાદનો કુખ્યાત મોન્ટુ રમેશભાઈ દરજી (રહે.હરીદર્શન સોસાયટી, સીટીએમ, અમદાવાદ) મોબાઈલ ફોનના માધ્યમથી વરલી મટકાના આંકફરકના હારજીતનો મોટા પ્રમાણમાં જુગાર ચાલી રહ્યો હતો. પોલીસે સ્થળ પરથી જુગાર રમાડનાર મોન્ટુ દરજી સહિત અન્ય ૧૪ ઈસમોની ધરપકડ કરી હતી. દરોડામાં પોલીસને ૩૦ નંગ મોબાઈલ ફોન કિંમત રૂ.૬૩,૫૦૦, રોકડા રૂ.૧૩,૧૯૦, તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂ.૭૯,૬૯૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો કરી કાર્યવાહી હાથ ધરી છે. 

(5:59 pm IST)