ગુજરાત
News of Thursday, 14th March 2019

પાલનપુરની મહિલાને શરીરિક માનસિક ત્રાસ ગુજારી અત્યાચાર કરનાર સુરતી સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

પાલનપુર: શહેરની એક મહિલાના લગ્ન સુરત ખાતે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેણીને દિકરો ન અવતરતા તેણીના સાસરીયાઓએ તબીબ પાસે લઈ જઈ ગર્ભપાત કરાવેલ અને ત્યારબાદ દહેજ માટે પણ અવાર-નવાર માર મારી શારિરીક માનસિક ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ મહિલાએ પાલનપુર મહિલા પોલીસ મથકે નોંધાવી છે. તેમાં ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો તે સુરતના ર્ડાક્ટર સહિત કુલ 8 સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

આજના આધુનિક યુગમાં પણ પુત્રવધુ પાસે દિકરાના જન્મની આશા રાખનારા સાસરિયાઓ સામે સમાજમાં ફીટકારની લાગણી વરસી રહી છે. આ બનાવમાં પણ પરિણીતા સાસરિયાના ત્રાસથી કંટાળીને પોલીસનુ શરણું લીધુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુરના અયોધ્યાનગર વિસ્તારમાં રહેતી રિનાબેન વ્યાસ નામની મહિલાના લગ્ન સુરત ખાતે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેણીને દિકરીનો જન્મ  થતાં સાસરિયાઓ દ્વારા મહેણાં ટોણા મારી તેમજ ગડદાપાટુનો માર મારવામાં આવતો હતો. તે ઉપરાંત તેણીની સંમતિ તથા જાણ બહાર સુરતના પ્રજ્ઞા પાઠક નામના મહિલા તબીબ પાસે ગર્ભપાત પણ કરાવેલ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

(5:55 pm IST)