ગુજરાત
News of Thursday, 14th March 2019

ગુજરાતી ઉદ્યોગપતિની યુરો સ્ટાર કંપની સામે અેન્ટવર્પની કોર્ટમાં પ બેન્કો દ્વારા ધિરાણ વસુલવા કેસ આગળ કર્યો

સુરત: હીરા ઉદ્યોગમાં દુનિયામાં ટોચનું નામ ધરાવતી અને એક સમયની ભારતની ટોપ ટેન બ્રાંડમાં સમાવેશ થતી ગુજરાતી ઉદ્યોગપતિની યુરો સ્ટાર કંપની સામે સામે એન્ટવર્પની કોર્ટમાં પાંચ બેન્કોએ ધિરાણ વસૂલવા કેસ આગળ કર્યો છે. પાંચ બેંકોની અંદાજે રૂપિયા ૩૦૦૦ કરોડની રકમ અટવાઈ છે. કોર્ટે બીજી તરફ કંપનીની પુનઃગઠનની અરજી નકારી કાઢતા મામલો વધુ પેચીદો બન્યો છે. આ સમાચાર સામે આવતા સુરત, મુંબઈ સહીત દેશ અને દુનિયાના હીરા બજારમાં ભારે ચકચાર મચી ગઇ છે. બેન્કોએ હીરાની પેઢી બજારમાં કામકાજ નહીં કરી શકે તે માટે પ્રતિબંધ મૂકવાની પણ માંગ કોર્ટ સમક્ષ કરી છે.

હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રેપાપોર્ટ પર પ્રસિદ્ધ થયેલા અહેવાલ પ્રમાણે, મૂળ ગુજરાતી અને સુરત-મુંબઈના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા બેલ્જીયમના એન્ટવર્પ સ્થાયી થયેલા કૌશિક મહેતાની યુરો સ્ટાર કંપનીની આર્થિક મુશ્કેલીઓ વધી છે, કારણ કે યુરો સ્ટાર કંપની અને તેના સંચાલકો સામે 5 બેંકોએ ટ્રીબ્યુનલમાં કેસ કર્યો દાખલ કર્યો છે. રૂપિયા 3 હજાર કરોડથી વધારાનું વેલ્યુએશન ધરાવતી કંપનીએ બેંકો પાસેથી લીધેલું ધિરાણ પરત કર્યું નથી. યુરો સ્ટાર કંપનીએ એબીએનએમરો, સ્ટાન્ડર્ડ ચ્ટાર્ડડ, આઇસીઆઈસીઆઇ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તથા બેંક ઓફ ઈન્ડિયાની શાખાઓમાંથી ધિરાણ મેળવ્યું હતું.

ધિરાણ લીધા બાદ યુરો સ્ટારના સંચાલકો બેંકોના નીતિ-નિયમો તથા સમય-મર્યાદા પ્રમાણે ચૂકવણી નહીં કરી હતી. સાથે જ ધિરાણ આપનાર બેંકોએ યુરો સ્ટાર કંપની સામે ધિરાણ નહીં ચૂકવવા બદલ ટ્રીબ્યુનલમાં કેસ દાખલ કર્યો હતો. મુંબઈ, હોંગકોંગ યુરોપ, એન્ટવર્પ તથા અમેરિકામાં પણ યુરો સ્ટારના સંચાલકો ઓફિસ ધરાવે છે. એન્ટવર્પથી મળતા વધુ અહેવાલો મુજબ બેંકોએ યુરો સ્ટાર કંપનીને હીરા બજારમાં સામાન્ય કામકાજ કરવા પર પણ પ્રતિબંધ મુકવાની રજૂઆત કરી છે. જેના કારણે યુરો સ્ટાર કંપની નાદારી નોંધાવીને ફડચામાં જાય એવી શક્યતાઓ છે.

કપની દ્વારા નવેમ્બર માસમાં એવો સ્વીકાર કરવામાં આવ્યો હતો કે તેની પાસે 25 મિલિયન ડોલરનો સ્ટોક છે, જ્યારે સપ્ટેમ્બર મહિનામાં તેની પાસે 148.8 મિલિયન ડોલરનો સ્ટોક હતો. અહીં એ પણ મહત્વનું છે કે યુરો સ્ટારે ડી'બિયર્સની સાઈટ ગુમાવી દેતા તેના માટે આગળનું કામ કરવું અઘરું બન્યું હતું. યુરો સ્ટારનો આવકનો સ્ત્રોત ત્યાર બાદ માર્યાદિત બની ગયો હતો. સાથે જ તેના ઓડીટર દવા પણ એકાઉન્ટ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. મહત્વની વાત એ પણ છે કે કંપનીએ એન્ટવર્પની કોર્ટમાં એવી દલીલ કરી હતી કે 28 ફેબ્રુઆરી સુધી તેના લેણદારો સામે તેને રક્ષણ આપવામાં આવે, પરતું કોર્ટે રજી નકારી કાઢી હતી, જેને પગલે કંપનીની મુશ્કેલીઓ વધવા પામી છે. બેંકોની અરજી પર એપ્રિલ મહિનામાં સુનાવણી હાથ ધરાશે જેમાં કંપનીને નાદારીમાં લઇ જવી કે નહીં તે અંગે નિર્ણય કરવામાં આવશે.

બેંકોની હાલ અને હીરા ઉદ્યોગની છબી બગડી

હીરા ઉદ્યોગની જેટલી ચમક રહી છે, તેને ઝાંખી પાડવામાં તેના જ ઉદ્યોગકારોનો મોટો હાથ છે. બેંકમાંથી કરોડો રૂપિયાની લોનો ખોટી રીતે મેળવી ઉઠમણું કરવામાં આવે છે, અથવા તો લોનની ભરપાઈ કરવામાં આવતી નથી, આ અગાઉ વિન્સમ ડાયમંડના જતીન મહેતાએ 7000 કરોડનું કૌભાંડ કર્યું હતું, બેંકો પાસેથી રૂપિયા લઇ જતીન પરિવાર સાથે વિદેશ ભાગી ગયો હતો. બાદમાં સીબીઆઈ દ્વારા ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ દુનિયાભરમાં ચકચાર મચાવનારા નીરવ મોદી અને મેહુલ ચોકસીનું કૌભાંડ સામે આવ્યું હતું, મામા-ભાણેજ દ્વારા 14500 થી વધુનું કૌભાંડ કરવામાં આવ્યું હતું, જેમાં સીબીઆઈ, ઇડી, ડીઆરઆઈ સહિતની એજન્સીઓએ કાર્યવાહી શરુ કરી છે, પરતું નિરવ મોદી હાલ લંડનમાં બિન્દાસ ફરી રહ્યો છે, ત્યારે હવે કૌશિક મહેતાની યુરો સ્ટાર કંપનીની નાદારી સામે આવી છે, જોવાનું એ છે કે કોર્ટ આ કેસમાં શું નિર્ણય આપે છે.

(4:59 pm IST)