ગુજરાત
News of Thursday, 14th March 2019

સ્વૈચ્છિક સંસ્થાઓ સંચાલિત હોસ્પિટલોને સાધનો વસાવવા ૪૦ લાખ સુધીની સહાય

રાજકોટ તા. ૧૪: રાજય સરકાર દ્વારા સ્વૈચ્છિકો સંસ્થાઓ સંચાલિત હોસ્પિટલોને સહાય આપવાની જોગવાઇ છે આ અંગે  ૮ માર્ચે ર૦૧૯ના રોજ આરોગ્ય વિભાગના ઉપસચિવ એમ. વી. દેસાઇની સહીથી પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે.

પરિપત્રમાં જણાવાયું છે કે, દર ત્રણ વર્ષે એક વાર સાધન સહાય મળવાપાત્ર રહેશે. સદરહું સાધન સહાય સંસ્થાની ઉપલબ્ધ પથારીને આધારે મળવાપાત્ર રહેશે.

૬ થી ર૯ પથારી ધરાવતી હોસ્પિટલ માટે કુલ કિંમતના પ૦% અથવા ૧.પ૦ લાખ એ બેમાંથી જે ઓછું હોય તે રકમના સાધનો નિયત યાદી મુજબના સાધનો માટે સહાય પેટે મળવાપાત્ર થશે. ૩૦ થી ૪૯ પથારી ધરાવતી હોસ્પિટલ માટે કુલ કિંમતના પ૦% અથવા રૂ. ૧૦.૦૦ લાખ એ બેમાંથી જે ઓછું હોય તે રકમના સાધનો માટે સહાય પેટે મળવાપાત્ર થશે. પ૦ થી ૯૯ પથારી ધરાવતી હોસ્પિટલ માટે કુલ કિંમતના પ૦% અથવા રૂ. રપ.૦૦ લાખ એ બેમાંથી જે ઓછું હોય તે રકમના સાધનો માટે સહાય પેટે મળવાપાત્ર થશે. ૧૦૦ કે તેથી વધુ પથારી ધરાવતી હોસ્પિટલ માટે કુલ કિંમતના પ૦% અથવા રૂ. ૪૦,૦૦ લાખ એ બે માંથી જે ઓછું હોય તે રકમના સાધનો માટે સહાય પેટે મળવાપાત્ર થશે. સાધન સહાય જે તે સંસ્થાની વ્યાજબી માંગણી અનુસાર મંજુર કરવામાં આવશે. ખરીદેલ આ સાધનનો મેન્ટેનન્સ ખર્ચ સંસ્થાએ સ્વભંડોળમાંથી કરવાનો રહેશે. સંસ્થાને તબીબી નિદાન સારવાર તથા ઓપરેશન માટેના સાધનોની જ ખરીદી કરવા સહાય આપવામાં આવશે. ખરેખર સાધનની જરૂરીયાત હોય તો જ માંગણી કરવાની રહેશે.

સંસ્થાએ જે સાધનની સહાય મેળવવાની દરખાસ્ત કરેલ હોય તે સાધનને ઓપરેટ કરનાર જરૂરી લાયકાત ધરાવતા તબીબ/ટેકનીશીયન/સ્ટાફની ફરજીયાત વ્યવસ્થા કરવાની રહેશે.

(3:26 pm IST)