ગુજરાત
News of Thursday, 14th March 2019

કચ્છના પૂર્વ ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાળીની હત્યા કેસ

અમદાવાદ એરપોર્ટ ઉપરથી સીઆઇડી દ્વારા છબીલ પટેલની અટક

મિલ્કતો જપ્ત થવા સાથે ચોતરફથી ગાળીયો ભીંસાતા મુખ્ય કાવતરાખોર મનાતા શખ્સની અંતે શરણાગતીઃ ભાડૂતી હત્યારાઓએ વટાણા વેર્યા બાદ સીઆઇડીએ સિધ્ધાર્થ પટેલ પાસેથી તમામ વિગતો ઓકાવી લેતા છબીલ પટેલ પાસે બચવાનો કોઇ આરોવારો રહ્યો ન હતો

છબીલ પટેલની અમદાવાદમાં અટકાયતઃ સીઆઇડી ક્રાઇમ ટીમે છબીલ પટેલની અટકાયત કરી તે નજરે પડે છે. (તસ્વીર : વિનોદ ગાલા-ભૂજ)

રાજકોટ તા. ૧૪ :.. કચ્છના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઇ ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં હત્યા કરવાના મામલામાં સીઆઇડી વડા આશિષ ભાટીયાના માર્ગદર્શન હેઠળની સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે ભાડુતી હત્યારાઓની ધરપકડ કરવાના પગલે...પગલે કાવતરાના મુખ્ય સુત્રધાર મનાતા અને અમેરિકામાં છૂપાયેલા છબીલ પટેલની આજે વહેલી સવારે ૩.૩૦ વાગ્યા આસપાસ અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટથી સીઆઇડી ક્રાઇમે અટક કરીને તેની પુછપરછનો ધમધમાટ શરૂ કર્યાનું સીઆઇડી સુત્રો જણાવે છે.

'અકિલા' સાથેની વાતચીતમાં સીઆઇડી વડા આશિષ ભાટીયાએ છબીલ પટેલની સીઆઇડી દ્વારા અટક થયાનું સમર્થન આપ્યું છે.

સીઆઇડી સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ સીઆઇડી દ્વારા હાલ તુર્ત છબીલ પટેલની ધરપકડ બતાવી નથી પરંતુ ટૂંક સમયમાં તેની વિધીસર ધરપકડ દર્શાવવામાં આવશે.

સીઆઇડી સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ મુખ્ય કાવતરાખોર મનાતા છબીલ પટેલના પુત્ર સિધ્ધાર્થ પટેલે સીઆઇડી પાસે  પુરતા પુરાવા હોવાનું અને સીઆઇડીએ તેને પકડવા માટે ગુજરાત બહાર જાળ બિછાવી હોવાની હકિકત આધારે સિધ્ધાર્થે સીઆઇડી પાસે હાજર થવામાં જ શાણપણ સમજેલ.

ભાડૂતી હત્યારાઓ પાસેથી સીઆઇડીએ  તમામ હકિકતો અને પુરાવાઓ એકઠા કર્યાનું અને ખૂટતી વિગતો સિધ્ધાર્થ પાસેથી સીઆઇડી વડા આશિષ ભાટીયાના માર્ગદર્શન હેઠળની સીટ ની ટીમે ભારે જહેમતથી મેળવ્યાનું સારી રીતે સમજાઇ જતા છબીલ પટેલ પાસે અમેરિકાથી ભારત પરત આવવા સિવાય કોઇ રસ્તો રહ્યો ન હતો.

સીઆઇડી સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ સીઆઇડી વડા આશિષ ભાટીયાએ ઇન્ટરપોલની મદદથી અમેરિકામાં છૂપાયેલા છબીલ પટેલ અંગેની તમામ વિગતો એકઠી કરવા સાથે અમેરિકામાં રહેલા પોતાના કેટલાક વિશ્વાસુઓ મારફત છબીલ પટેલ ઉપર વોચ ગોઠવી હતી. બીજી તરફ સીઆઇડીએ છબીલ પટેલની મિલ્કતો કબ્જે કરવા માટેની કાનુની કાર્યવાહી પણ સીઆઇડી વડા આશિષ ભાટીયા ટીમે શરૂ કરી હતી.

આમ ચોતરફથી ભીંસ વધતા છબીલ પટેલ માટે સીઆઇડીના શરણે થયા વગર કોઇ છૂટકો રહ્યો ન હતો.

(11:26 am IST)