ગુજરાત
News of Thursday, 14th March 2019

પડતર માંગણીનો ઉકેલ ના આવતા ધોરણ-10 અને ધોરણ-12ની ઉત્તરવહી ચકાસણીનો બહિષ્કાર કરતો શિક્ષક સંઘ

રાજકોટ : ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા પડતર માંગણીનો ઉકેલ નહિ આવતા ધોરણ 10 અને ધોરણ 12ની ઉત્તરવહી ચકાસણીનો બહિષ્કાર કર્યો છે

ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ, ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ દિનેશભાઈ ચૌધરી તથા બંને મહામંડળના મહામંત્રીશ્રી રમેશચંદ્ર ઠક્કર, સુરેશભાઈ પટેલ સંયુક્ત નિવેદનમાં જણાવે છે કે ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષણ સહાયકોને વેતન ભેદ, સળંગ નોકરી, નોકરીમાં ફાજલનું કાયમી રક્ષણ અને વૃત્તિ સમયે ૩૦૦ રજાઓનું રોકડમાં રૂપાંતર એમ ચાર પડતર માંગણીઓ અંગે છેલ્લા બે દિવસથી શિક્ષણમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજુઆતો ચાલુ છે છતાં આજદિન સુધી હજુ કોઈ નક્કર પરિણામ પ્રાપ્ત થતા ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનું પેપર ચકાસણી કામગીરીનો બહિષ્કાર ચાલુ રાખેલ છે, તેના અનુસંધાને ધો. ૧૨ જ્ઞાન પ્રવાહની તા. ૧૬ માર્ચથી શરુ થનાર ભૌતિક વિજ્ઞાન, ૧૮ માર્ચથી શરુ થનાર રસાયણ વિજ્ઞાન અને ૧૯ માર્ચથી શરુ થનાર જીવ વિજ્ઞાન વિષયની ઉત્તરવહી ચકાસણી કોઇપણ સંજોગોમાં ચાલુ થઇ શકશે નહી, જે જિલ્લાઓમાં મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્ર હશે ત્યાં બંને  મંડળના હોદ્દેદારો કેટીંગ કરી પેપર ચકાસણીનો બહિષ્કાર કરશે, વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પરિણામમાં વિલંબ થવાથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઉચ્ચ શિક્ષણની પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલી નડશે તેની જવાબદારી સરકારની રહેશે.

(10:29 pm IST)