ગુજરાત
News of Thursday, 14th March 2019

હાર્દિકની ચૂંટણી લડવા અંગેની અરજી જજે નોટ બીફોર મી કરી

હવે અન્ય જજ સમક્ષ સુનાવણી હાથ ધરાશે : વિસનગરના સભ્યની કચેરીમાં તોડફોડના કેસમાં વિસનગર કોર્ટ દ્વારા ફટકારાયેલી સજાના હુકમ સામે સ્ટેની માંગ કરી

અમદાવાદ, તા.૧૩ : હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડવા માટે વિસનગર કોર્ટનો સજાનો હુકમ મોકૂફ કરવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં આજે થયેલી સુનાવણીમાં હાઈકોર્ટના જસ્ટિસ આર.પી ધોલારીયાએ નોટ બીફોર મી કરી હતી, હવે આ અરજી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા અન્ય કોર્ટમાં સુનાવણી અર્થે મોકલવામાં આવશે. વિસનગર એમએલએની ઓફિસમાં તોડફોડના કેસમાં હાર્દિક પટેલે વિસનગર કોર્ટના બે વર્ષની સજા ફટકારતા ચુકાદા સામે હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાર્દિક આગામી લોકસભાની ચૂંટણી લડવા માંગતો હોવાથી તેણે આ અરજી કરી હતી. વિસનગર કેસમાં હાર્દિક પટેલને બે વર્ષની સજા પડી છે. રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એકટ પ્રમાણે જેલની સજા ભોગવી રહેલા વ્યક્તિને ચૂંટણી લડવામાં કાયદાકીય મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હાર્દિકે અવરોધ વિના લોકસભાની ચૂંટણી લડી શકે તે માટે હાઇકોર્ટમાં અરજી કરી જણાવ્યું હતું કે, હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના સજાના હુકમ સામે સ્ટે ફરમાવવો જોઇએ, કારણ કે, તેનાથી તેના બંધારણીય અને લોકસભાની ચૂંટણી લડવા અંગેના અધિકાર પર તરાપ પડી છે, જેથી હાઇકોર્ટે અરજદારની દાદ ગ્રાહ્ય રાખવી જોઇએ. જો કે, હાઇકોર્ટના જસ્ટિસ આર.પી. ઢોલરિયાએ હાર્દિકની આ અરજી આજે નોટ બીફોર મી કરી હતી. હવે હાર્દિકની અરજી પર અન્ય જજની કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન મહેસાણાના વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં કરવામાં આવેલી તોડફોડ મામલે વિસનગર કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે.પટેલને આ કેસમાં દોષિત જાહેર કર્યા હતા. આ કેસમાં કોર્ટે ત્રણેય આરોપીઓને બે-બે વર્ષની સજા તેમજ રૂ. ૫૦-૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો. સજા બાદ કોર્ટે ત્રણેય આરોપીઓને શરતી જામીન પર મુક્ત કર્યા હતા. આ કેસમાં કોર્ટમાં હાજર ન રહેલા હાર્દિક પટેલ અને લાલજી પટેલ સામે અગાઉ કોર્ટે ધરપકડ વોરંટ પણ ઈશ્યૂ કર્યું હતું.

દરમ્યાન ગઇકાલે જ પાટીદારોને અનામત આપવાની લડત ચલાવનાર હાર્દિક પટેલ હવે કોંગ્રેસમાં જોડાઈ ગયો છે. જામનગરથી ચૂંટણી લડવાની તેણે તૈયારી બતાવી છે. રાહુલ ગાંધીએ હાર્દિક ચૂંટણી જીતી જશે તેવો દાવો પણ કરી દીધો છે, પરંતુ કાયદાકીય રીતે હાર્દિક ગુંચવાયો છે.

(7:45 pm IST)