મધરાત્રે ફતેગંજ બ્રિજ નીચેથી શ્રમજીવી પરિવારની 4વર્ષીય બાળાના અપહરણથી અરેરાટી
વડોદરા:શહેરના ફતેગંજ બ્રીજ નીચે ગત રાત્રે માતા સાથે નિંદ્રાધીન શ્રમજીવી પરિવારની ચાર વર્ષની બાળકીનું મધરાતે અજાણ્યા શખ્સો અપહરણ કરી જતાં પોલીસે બાળકીના અપહરણનો ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.
મુળ પંચમહાલના ગોધરા તાલુકાના વતની અને હાલમાં શહેરમાં છુટ્ટક મજુરીકામ કરતું દંપતી ફતેગંજ વિસ્તારમાં બ્રીજ નીચે રહે છે. દંપતીના પાંચ સંતાનો પૈકી પરિણીત પુત્રી સહિત ત્રણ સંતાનો અને જમાઈ પણ તેઓની સાથે રહે છે. ગઈ કાલે રાત્રે સાડા બાર વાગે દંપતી અને તેઓના સંતાનો ફતેગંજ બ્રીજ નીચે ફૂટપાથ પર મચ્છરદાની બાંધીને હરોળમાં સુઈ ગયા હતા. રાત્રે દોઢ વાગે દંપતી પૈકીની પત્નીને મચ્છરો કરડતા તે જાગી ગઈ હતી. તેણે પોતાની મચ્છરદાની ખુલ્લી હોવાની તેમજ તેની બાજુમાં સુઈ ગયેલી ચાર વર્ષની પુત્રી ગુમ હોવાની ચોંકાવનારી જાણ થઈ હતી.
તેણે તુરંત પરિવારના સભ્યોને બાળકી ગુમ હોવાની જાણ થતાં પરિવારજનોમાં દોડધામ મચી હતી. તેઓએ આસપાસના વિસ્તારમાં બાળકીની શોધખોળ કરી હતી પરંતુ તેનો કોઈ પત્તો નહી લાગતા દંપતીએ આ બનાવની ફતેગંજ પોલીસ મથકમાં જાણ કરી હતી.