ગુજરાત
News of Saturday, 15th February 2020

વલસાડના માંડા ગામમાં ૧૧૦૦ કરોડના મૂડીરોકાણ સાથે શરૂ થશે સોલાર સેલ-સોલાર મોડયુલનો અદ્યતન પ્લાન્ટ:બે હજાર યુવાઓને મળશે રોજગાર

સોલાર પી.વી મોડયુલ ઉત્પાદનમાં વિશ્વના અનેક દેશો સાથે વેપાર-કારોબાર ધરાવતા વારે ગૃપ અને ગુજરાત સરકાર વચ્ચે ગાંધીનગરમાં MoU સંપન્ન :મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતી

વલસાડ : સોલાર પી.વી. મોડયુલ્સ અને સોલાર એનર્જી સોલ્યુશન્સની પ્રતિષ્ઠિત કંપની વારે પાવર દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના માંડા ગામમાં સોલાર સેલ અને સોલાર મોડયુલનો અદ્યતન પ્લાન્ટ સ્થાપશે.
   મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં આ અંગેના MoU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા.
ગુજરાત સરકાર વતી ઊદ્યોગ અગ્ર સચિવ અને મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ. કે. દાસ અને વારે ગૃપના ચેરમેન હિતેશ દોશીએ આ MoU પર હસ્તાક્ષર કર્યા હતા.
   રૂ. ૧૧૦૦ કરોડ રૂપિયાના મૂડીરોકાણ સાથે શરૂ થનારા આ પ્લાન્ટને પરિણામે બે હજાર જેટલા સ્થાનિક યુવાઓને રોજગાર અવસર મળતા થવાના છે.
   મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં સોલાર એનર્જીને પ્રોત્સાહન આપવાની જે પહેલ કરી છે તેની ફલશ્રુતિરૂપે રાજ્યમાં બિનપરંપરાગત ઊર્જા ક્ષેત્ર – સોલાર એનર્જી સેકટરમાં મોટા પાયે રોકાણો આવી રહ્યા છે.
   તેમણે રાજ્યમાં ૮ લાખ ઘરોને સોલાર રૂફટોપ પોલીસી તહેત આવરી લઇ સૌરઊર્જા વિનિયોગ તેમજ ૩૩ લાખ જેટલા MSME યુનિટસને ૧૦૦ ટકા સૌરઊર્જા ઉપયોગ માટે પ્રોત્સાહન આપવાના અપનાવેલા અભિગમને પરિણામે ગુજરાતમાં સોલાર મોડયુલ્સ અને સોલાર સેલની વિશાળ માંગ ઊભી થઇ છે અને રોકાણકારો માટે પણ આ ક્ષેત્રે નવિન તકો ખૂલી છે.
   આ સંદર્ભમાં સોલાર પી.વી. મોડયુલ્સ અને સોલાર એનર્જી સોલ્યુશન ક્ષેત્રે વિશ્વના ૬૦ જેટલા દેશોમાં વેપાર-કારોબાર ધરાવતી કંપની વારે ગૃપે ગુજરાતમાં રોકાણ માટે આ MoU કર્યા છે. આ ગૃપ ભારતમાં પ્રેશર ગેજ ક્ષેત્રે પપ ટકા ઉત્પાદન કરે છે.
    તદ્દઉપરાંત, આ ગૃપ દ્વારા ભારતમાં સૌથી મોટો બે ગીગાવોટની ક્ષમતાનો સોલાર પી.વી. મોડયુલ મેન્યુફેકચરીંગ પ્લાન્ટ સુરત અને ઉમરગામમાં કાર્યરત છે.
    આ MoU સાઇનીંગ વેળાએ વારે ગૃપના ચેરમેન હિતેશ દોશીએ ગુજરાતમાં તેમના પ્રોજેકટ માટે જમીન ફાળવણી સહિતની તમામ પરવાનગીઓ ત્વરાએ વિનાવિલંબે મળી ગઇ છે તે માટે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યકત કર્યો હતો.
   ગુજરાત સરકારના આ પ્રોત્સાહક અને પારદર્શી અભિગમથી પ્રભાવિત થઇને તેમનું ગૃપ નજીકના ભવિષ્યમાં જ રાજ્યમાં વધુ મૂડીરોકાણ કરવા ઉત્સુક છે એમ પણ તેમણે મુખ્યમંત્રીને જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ પણ રાજ્ય સરકાર તેમને નવા પ્રોજેકટ શરૂ કરવા માટે શકય બધી જ મદદ અને સહયોગ કરશે તેવો વિશ્વાસ આપ્યો હતો.
   આ અવસરે ઊદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા તેમજ ઇન્ડેક્ષ-બી ના એમ.ડી. નિલમ રાની વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(6:56 pm IST)