ગુજરાત
News of Thursday, 15th February 2018

સિલ્વર ઓકમાં ટેકફેસ્ટ તલાશ-૨૦૧૮ યોજાયું: ૬૦૦૦થી વધુ રજિસ્ટ્રેશન નોંધાયા

અમદાવાદ, તા.૧૫, શહેરના એસ.જી.હાઇવે પર આવેલી જાણીતી એન્જીનીયરીંગ સંસ્થા એવી સિલ્વર ઓક ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુટ્સ ખાતે તા.૧૩ અને ૧૪ ફેબ્રુઆરી દરમ્યાન બે દિવસીય ટેકફેસ્ટ તલાશ-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ હવામાં ઉડતું એરક્રાફ્ટ, રોબોટ સહિતના અનેક આકર્ષણોએ રંગ જમાવ્યો હતો. બે દિવસીય આ ટેકફેસ્ટમાં ગુજરાતભરની એન્જીનીયરીંગ કોલેજોમાંથી ૬૦૦૦થી વધુ રજિસ્ટ્રેશન નોંધાયા હતા અને ખાસ કરીને એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓ દ્વારા પોતાની કલા-કૌશલ્ય વડે વિવિધ પ્રસ્તુતિકરણ દર્શાવતી ૪૬થી વધુ ઇવેન્ટ યોજી સૌકોઇની વાહવાહ મેળવી હતી. સિલ્વર ઓક ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુટ ખાતે યોજાયેલી આ બે દિવસીય ટેકફેસ્ટના શુભારંભ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઇસરોના ગ્રુપ ઓફ ડાયરેકટર સી.પી. દિવાન, મમતા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના મહેન્દ્રભાઇ પટેલ, અતિથિ વિશેષ તરીકે બકેરી ગ્રુપના પવન બકેરી, ગુજરાત યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બર ધ્રુમિલ પટેલ, સંસ્થાના ડાયરેકટર જનક ખાંડવાળા, એકઝીકયુટીવ ડાયરેકર શ્રીમતી ખાંડવાળા, આચાર્ય ડો.સિધ્ધાર્થ જાડેજા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બે દિવસીય આ ટેકફેસ્ટમાં એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓ દ્વારા તૈેયાર કરવામાં આવેલ રોબોની વચ્ચેની રોબો વોર, રોબો કપ, ઓબ્સ્ટેકલ્સ, ચેન રિએકશન સહિતની ૪૬થી વધુ ઇવેન્ટ યોજાઇ હતી, જે ઘણી આકર્ષક અને રોમાંચક બની રહી હતી. તો, વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ હવામાં ઉડતુ એરક્રાફ્ટ અને પ્રવેશદ્વાર પર વેસ્ટેજમાંથી બનાવાયેલ તલાશ-૨૦૧૮ના સાઇન બોર્ડ સહિતના અનેક આકર્ષણોએ પણ ભારે રંગ જમાવ્યો હતો. બે દિવસીય આ ટેકફેસ્ટ મહોત્સવમાં વિદ્યાર્થીઓ, વાલીઓ સહિતના લોકોએ એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓની ખૂબ જ કુશળ કલા અને કૌશલ્યના પ્રસ્તુતિકરણને માણ્યું હતું.

(11:43 pm IST)