ગુજરાત
News of Thursday, 15th February 2018

સુરતમાં નરાધમ પુજારીનું ૩ બાળકો ઉપર દુષ્કર્મઃ ધરપકડ

ચોકલેટ - પતંગના બહાને બોલાવતો નરાધમ સામે પોસ્કો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયોઃ પુજારી કહે છે ખોટી રીતે ફરિયાદ નોંધાયેલ

રાજકોટ તા. ૧૫ : સુરતના એક મંદિરના પુજારીએ ૩ બાળકો સાથે દુષ્કર્મ આચરવાની ઘટના પ્રકાશમાં આવતા ભારે હોબાળો મચી ગયો છે. પોલીસ ઘટનાની ગંભીરતા જોઇ પુજારીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નવસારી બજાર ખાતે આવેલા એક મંદિરના પૂજારી સામે ત્રણ બાળકો સાથે સૃષ્ટી વિરુદ્ઘની કૃત્યની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ પૂજારી ધરપકડ કરવામાં આવી છે. ગત મોડી રાત્રે ત્રણેય બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. જયારે આજે વહેલી સવારે પૂજારીને પણ મેડિકલ તપાસ માટે પોલીસ લઈ આવી હતી.

નવસારી બજાર ગોપી તળાવ સામે આવેલા મંદિરમાં છેલ્લા ૧૫ વર્ષથી આચાર્ય પૂજારી છે. પૂજારી કેટલાક બાળકોને ચોકલેટ અને પતંગના બહાને બોલાવતો હતો. અને ત્યારબાદ ત્રણેક જેટલા બાળકો સાથે છેડછાડ કરી સૃષ્ટી વિરુદ્ઘનું કૃત્યુ આચર્યું હતું. જેથી ત્રણેય બાળકો અકળાઈને વાતો કરતા હતા. જેથી આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. અને પૂજારી વિરુદ્ઘ પોલીસ સ્ટેશનમાં પોસ્કો અને ૩૭૭ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અને પૂજારીની ધરપકડ કરી છે.

મોડી રાત્રે ત્રણેય બાળકોને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ફોરેન્સિક તપાસ માટે વધુ તપાસ માટે લઈ જવામાં આવશે. જયારે પોલીસ પૂજારીને પણ આજે વહેલી સવારે મેડિકલ તપાસમાં લઈને આવી હતી. બાળકોએ જણાવ્યું હતું કે, ૧૨ ફેબ્રુઆરીએ અમારી સાથે ગંદુ કામ કર્યું હતું. જયારે પૂજારીએ જણાવ્યું હતું કે, ખોટી રીતે મારી વિરુદ્ઘ આવી ફરિયાદ નોંધાવવામાં આવી છે.

(4:43 pm IST)