ગુજરાત
News of Thursday, 15th February 2018

આવતા મહિનાથી ફરી પાટીદાર અનામત આંદોલનના મંડાણ

મધ્યપ્રદેશ અને રાજસ્થાનની મુલાકાતો લઇ ખેડુતોની વેદનાને વાચા આપશે : હાર્દિક પટેલે કરી જાહેરાતઃ જનજાગૃતિ યાત્રા યોજશે

અમદાવાદ તા.૧પ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ઠંડુ પડી ચુકેલુ પાટીદાર અનામત આંદોલન આવતા મહિનાથી ફરી શરૂ થાય તેવી શકયતા છે. પાસના મુખ્ય સંયોજક હાર્દિક પટેલે આ મુજબ જણાવ્યુ છે.

હાર્દિક પટેલે જણાવ્યુ છે કે આવતા મહિનાથી ગુજરાતભરમાં ફરી એક વખત યુવાનોની સમસ્યાઓ અને ખેડુતોની સમસ્યાઓની સાથે-સાથે પાટીદાર અનામતને લઇને જનજાગૃતિ યાત્રા કાઢવામાં આવશે. ગઇકાલે જુનાગઢના ગાઠીલા ગામમાં ખેડુતોને મળ્યા બાદ હાર્દિક પટેલે આ જાહેરાત કરી હતી. તેમણે આ બાબત ટવીટના માધ્યમથી પોતાના સમર્થકોને પણ જણાવી હતી.

હાર્દિક પટેલ આવતા દિવસોમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનની રાજનીતિમાં પણ સક્રિય થવાના છે તેઓ આ બંને રાજયોમાં ભાજપ વિરૂધ્ધ પ્રચાર કરશે. ૧૯ ફેબ્રુઆરીએ તેઓ ભોપાલની મુલાકાત લેવાના છે. તેઓ બંને રાજયોમાં ખેડુતોના મુદાઓ ઉઠાવશે.

(2:43 pm IST)