ગુજરાત
News of Wednesday, 14th February 2018

કલોલમાં તસ્કરોનો તરખાટ: 1.39 લાખના મુદ્દામાલની ઉઠાંતરી

કલોલ:ની પંચવટી રેસીડેન્સીમાં ત્રાટકેલા તસ્કરો ૧.૩૯ લાખના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. જ્યારે બીજા એક બનાવમાં કે.આઇ.આર.સી. કંપાઉન્ડમાં આવેલી આદર્શ હોસ્પિટલમાંથી પણ તસ્કરો એલસીડી સહીત ૩૫ હજારનો મુદ્દામાલ ચોરી ગયા હતા.
કલોલમાં આવેલી પંચવટી રેસીડન્સીમાં રહેતા કનુભાઇ શાંતિલાલ પટેલ પોતાના પરીવાર સામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. તે વખતે તેમના ઘરમાંથી ચોરી થઇ હતી. બંધ મકાનનું તાળુ તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી તિજોરી તોડી સોનાનો હાર, ચાર સોનાની બુટ્ટી, સોનાની કાનની બે સેરો, સોનાની ત્રણ વીંટી, સોનાના ર  નંગ પાટલા, ચાંદીના ચાર સિક્કા, ચાંદીના ચાર ગ્લાસ, ચાંદીના બે ઝુમ્મર અને ચાંદીની પાયલ તથા રોકડ દસ હજાર મળી કુલ રૃપિયા ૧,૩૯,૪૦૦ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ભાગી છુટયા હતા.
આ ઘટના અંગે કનુભાઇ પટેલની ફરિયાદને આધારે કલોલ તાલુકા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી ચોરીનો ભેદ ઉકેલવા વધુ તપાસ શરૃ કરી છે. જ્યારે ચોરીના બીજા એક બનાવમાં હાઇવે પાસે કેઆઇઆરસી કોલેજના કંપાઉન્ડમાં આવેલી આદર્શ હોસ્પિટલમાં ત્રાટકેલા તસ્કરો એલસીડી, જનરેટરની બેટરી અને કોપરના વાયરો મળી કુલ રૃપિયા ૩૫૦૦૦ના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. જો કે હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા લગાવાયેલા હોવાથી ચોરી કરનાર તસ્કર કેમેરામાં ઝડપાઇ ગયો છે. જેથી પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરની ધરપકડ માટે દોડધામ શરૃ કરી છે.

(6:50 pm IST)