ગુજરાત
News of Saturday, 15th January 2022

અમદાવાદ ડુંગરપુર વાયા હિંમતનગર બ્રોડગેજ રેલ સેવા શરૂ :શામળાજી રોડ સ્ટેશન પર રોકાશે

મીટરગેજ રેલ સેવાને ભારત સરકારે બ્રોડગેજમાં રુપાંતરીત કરાઈ :આગામી છ માસ બાદ ઉદયપુર સુધી ટ્રેન સેવા લંબાશે :સાંસદ દિપસિંહ રાઠોડ સહિત અગ્રણીઓએ કર્યો પ્રથમ ટ્રેનનો પ્રવાસ

અમદાવાદ થી રાજસ્થાન આવન જાવન કરતા મુસાફરો માટે આનંદના સમાચાર છે. અમદાવાદ થી હિંમતનગર બ્રોડગેજ રેલવે ટ્રેનને ડુંગરપુર સુધી લંબાવવામા આવી છે. ડુંગરપુર થી અમદાવાદ સુધીની પ્રથમ ટ્રેન હિંમતનગર થઇને અમદાવાદ પહોંચી હતી. આ સાથે જ હવે અમદાવાદ થી પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીની સફર રેલ્વે મારફતે કરવી સરળ બનશે. ઉપરાંત ડુંગરપુર અને બીંછીવાડા સહિતના રાજસ્થાનના પ્રવાસીઓ જે રોજગારી માટે અમદાવાદ અને હિંમતનગર વિસ્તારમાં સ્થાયી થયા છે. તેઓને મુસાફરીની સમસ્યામાં રાહત સર્જાઇ છે.

આ પહેલા ઉદયપુર થી વાયા ડુંગરપુર અને હિંમતનગર થઇને અમદાવાદ રેલ્વે લાઇન મીટરગેજ હતી. જેને બ્રોડગેજમાં રુપાંતરીત કરવા માટે રાજસ્થાન અને ગુજરાતના સ્થાનિકો દ્વારા અનેક વાર રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ તેનો કોઇ જ ઉકેલ આવી રહ્યો હતો. પરંતુ છેલ્લા 7 વર્ષ દરમિયાન આ રેલ્વેના ગેજ રુપાંતરને ભારત સરકારે મંજૂરી આપીને કાર્યને ઝડપી બનાવ્યુ હતુ. જેના ફળસ્વરુપે હવે રાજ્સ્થાનના ડુંગરપુરથી પ્રથમવાર અમદાવાદ ટ્રેન પહોંચવા સાથે નવી શરુઆત થઇ છે

ડુંગરપુર થી પ્રથમ રેલવે ટ્રેન આજે શામળાજી રોડ અને રાયગઢ થઈને હિંમતનગર પહોંચતા સ્થાનિક લોકોએ હર્ષભેર વધાવી હતી. સાબરકાંઠા સાંસદ સહિત અગ્રણીઓ ડુંગરપુરથી રેલવેમાં મુસાફરી કરી હિંમતનગર સુધી આવી પહોંચ્યા હતા. તેઓએ રસ્તામાં મુસાફરો અને સ્ટેશન પર લોકોના અભિવાદનને ઝીલવા સાથે લોકોના અનુભવોને જાણવાનો પ્રયાસ કર્યો હતો.

(11:32 pm IST)