ગુજરાત
News of Saturday, 15th January 2022

પોષી પુનમે અંબાજી બાદ ખેડબ્રહ્મા,શામળાજી, અને ડાકોરના મંદિરો બંધ રાખવાનો નિર્ણંય

મંદિરના સંચાલકોએ વધતા સંક્રમણને લઈ મંદિરને દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય લીધો

 

અમદાવાદ :  કોરોનાની ત્રીજી લહેરના કહેર વચ્ચે રાજ્યના અનેક મોટા મંદિરોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં એક બાદ એક મંદિરના સંચાલકોએ વધતા સંક્રમણને લઈ મંદિરને દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે.ગત રોજ અંબાજી ટ્રસ્ટે પોષી પૂનમના દરેક કાર્યક્રમો રદ કરી મંદિરને  15 થી 22 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. ત્યારે આજે રાજ્યના બીજા ત્રણ મોટા મંદિરોએ પણ આ પ્રકારનો નિર્ણય લઈ પૂનમના રોજ મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે.જેમાં ખેડબ્રહ્મા ખાતેના અંબિકા મંદિરને પણ 8 દિવસ સુધી બંધ રાખવામાં આવશે.ખેડબ્રહ્માનુ મંદિર 23 જાન્યુઆરી બાદ ખોલવામાં આવશે.આ સીવાય ડાકોરના રણછોડરાયના મંદિર તથા શામળાજીનુ મંદિર પણ પોષી પૂનમ એટલે કે 17 જાન્યુઆરીએ બંધ રહેશે.પરંતુ ડાકોર અને શામળાજીનુ મંદિર 18 જાન્યુઆરીએ દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકી દેવામાં આવશે.

કોરોના સંક્રમણ વધતા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે નિર્ણય લીધો છે કે 15થી 22 જાન્યુઆરી સુધી અંબાજી મંદિર બંધ રહેશે, ગબ્બર શક્તિપીઠના કપાટ પણ દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે.  17 જાન્યુઆરીએ યોજાનારી પોષી પુનમમાં યોજાતી  માતાજીની શોભાયાત્રા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો કરાયા રદ કરી દેવામાં આવ્યા છે. પણ આરતીનું લાઇવ પ્રસારણ જોઈ શકાશે.

(10:36 pm IST)