ગુજરાત
News of Saturday, 15th January 2022

મહેસાણા જિલ્લામાં એકના ડબલ કરી આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી આચરતી ગેંગના ત્રણ આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા

મહેસાણા:જિલ્લામાં એકના ડબલ કરી આપવાની લાલચ આપીને લોકો સાથે છેતરપીંડી આચરતી ગેંગના ત્રણ આરોપીઓને લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દેણપ ચાર રસ્તા નજીકથી ઝડપી લીધા હતા.જયારે તેમના વોન્ટેડ ચાર સાગરીતોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગત તા.૬ જાન્યુઆરીના રોજ પૂર્વયોજીત કાવતરુ રચીને દેણપથી ઉમતા જવાના રોડ ઉપર એકના ડબલ કરવાની લાલચ આપીને એક ગૃહસ્થને બોલાવીને તેમની પાસેથી નકલી પોલીસ બનીને રૃ.૧૦ લાખ જેટલી માતબર રકમ પડાવી લઈને ગઠીયાઓ નાસી છુટયા હતા.આ એંગે પોલીસે ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો.દરમિયાન મહેસાણા એલસીબીના પીએસઆઈ એ.કે.વાઘેલા અને પોલીસ સ્ટાફ વિસનગર પંથકમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે વખતે એએસઆઈ હીરાજી અને રાજેન્દ્રસિંહને સંયુકત બાતમી મળી હતી કે,એકના ડબલ કરી છેતરપીંડી આચરતી ગેંગના લોકો હાલમાં દેણપ ચાર રસ્તા નજીક કાર અને બાઈક લઈને ઉભા છે. જેના આધારે પોલીસે આ સ્થળે પહોંચીને સંજય ઠાકોર, વિજય ઠાકોર અને ઈશ્વર ઠાકોરને ઝડપી લીધા હતા.ઝડપાયેલા આરોપીઓએ પુછપરછ દરમિયાન પોલીસ સમક્ષ સપ્તાહ પહેલા દેણપથી ઉમતા રોડ ઉપર એક વ્યકિતને બોલાવી તેમની  પાસેથી રૃ.૧૦ લાખ પડાવી છેતરપીંડી આચરી હોવાની કબુલાત કરી હતી.જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને તેમના અન્ય ચાર સાગરીતોને પકડવા શોધખોળ આરંભી છે.નોંધપાત્ર છે કે ઝડપાયેલા આરોપી પૈકી ઈશ્વર ઠાકોર સામે પાંચ વર્ષ પહેલાં ચીંટીંગનો ગુનો નોંધાયેલો છે.

(6:04 pm IST)