ગુજરાત
News of Saturday, 15th January 2022

અમદાવાદમાં નહેરુનગરમાં દુકાન ભાડે રાખવા જેવી બાબતમાં આધેડની છરીના ઘા ઝીકી હત્યા

છ લોકોએ ભેગા મળી ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવી ફરાર : પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા કાકા-ભત્રીજાની ધરપકડ કરી

અમદાવાદ : શહેરમાં દુકાન ભાડે રાખવા જેવી બાબતમાં હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે. સરદારનગરમાં આધેડની છ લોકોએ ભેગા મળી ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવી આરોપી ફરાર થયા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા કાકા ભત્રીજાની ધરપકડ કરી છે.

સરદારનગર વિસ્તારમાં આવેલ નહેરુનગરમાં આધેડ અર્જુન સોલંકીની 6 શખ્સો ભેગા મળી હત્યા નિપજાવી. હત્યા કરવા પાછળનું કારણ છે કે નહેરુનગરમાં રહેતા પ્રેમજી સોલંકીની એક દુકાન મૃતક અર્જુનના નાના ભાઈએ ભાડે રાખી હતી. જે દુકાન માલિક અને હત્યારા આરોપીઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી અંગત અદાવત ચાલી રહી હતી. જેને લઈ આરોપી શિવા વાઘેલા, વિષ્ણુ વાઘેલા સહિત 6 લોકોએ ભાડે રાખેલી દુકાન ખાલી કરવાની ધમકી આપી હતી. સાંજે ધમકી આપ્યા બાદ થોડીક વારમાં આરોપીઓ આધેડ અર્જુન સોલંકીને મૂઢ માર માર્યો. જેમાં લોખંડની પાઈપના બે ત્રણ ફટકા મારી લોહી લુહાણ કર્યા.જે બાદ આરોપીઓ દુકાનમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. સરદારનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી બે આરોપી ધરપકડ કરી છે

પોલીસ ગિરફતમાં આવેલા કાકા શિવા વાઘેલા અને ભત્રીજા દિલીપ વાઘેલાની સરદાર નગર પોલીસે ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ આરોપી કાકા-ભત્રીજાએ આધેડ અર્જુનભાઈને મૂઢમાર મારતા હતા તેવામાં આરોપી શિવા વાઘેલાનો પુત્ર કમલેશ અને વિષ્ણુ વાઘેલાએ લોંખડ પાઈપના ફટકા માર્યા હતા. જેથી આધેડ અર્જુનભાઈનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. હત્યામાં ફરાર આરોપી વિષ્ણુ વાઘેલા,મહેશ વાઘેલા,કમલેશ વાઘેલા અને અમરત વાઘેલાની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

આ હત્યાના કારણમાં દુકાન પડાવવા છેલ્લા 15 દિવસથી ઝઘડો ચાલતો હોવાનું સામે આવ્યું છે. આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે આરોપીઓએ હથિયાર સાથે આંતક મચાવ્યો. જેના કારણે સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. પરિવારે આરોપી સામે રક્ષણ માટે પોલીસ પાસે માંગ કરી. આમાંથી એક આરોપી વિરુદ્ધ અગાઉ પણ હત્યાના ગુના નોંધાયા છે. એક પરિવારે ઘરનો મોભી ખોઈ દેતા ન્યાયની માંગ કરી છે.

(11:42 pm IST)