ખેડા એલસીબીએ મહુધા તાલુકાના વાસણા નજીક બુટલેગરના ઘરે છાપો મારી કારમાંથી 2.25 લાખથી વધુના દારૂના જથ્થા સાથે શખ્સની ધરપકડ કરી
ખેડા:એલસીબી પોલીસે મહુધા તાલુકાના વાસણા ગામમાં રહેતા એક બુટલેગરના ઘરે છાપો મારીને કારમાંથી ૨.૨૫ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરીને બુટલેગરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ઘરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મહુધા તાલુકાના વાસણા ગામમાં આવેલ પટેલ ફળીયામાં રહેતાં સુમીત ગીરીશભાઈ પટેલ પોતાના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી તેનું ખાનગી રાહે વેચાણ કરતો હોવાની માહિતી ખેડા જિલ્લા એલસીબી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે ગત રાત્રીના સમયે સુમીત પટેલના ઘરે દરોડો પાડી તેની અટકાયત કરી હતી. અને તલાશી લેતાં તેના ઘરની બહાર પાર્ક કરેલ મારૂતી સ્વીફ્ટ ગાડી ન.ં જીજે-૦૭, ડીસી-૧૮૪૨ની ડેકીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૫૯૪ નંગ બોટલો મળી આવી હતી. પોલીસે કરેલી પુછપરછ દરમ્યાન આ દારૂનો જથ્થો ઈદાભાઈ આણંદવાળાનો હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે વિદેશી દારૂ કિંમત રૂ.૨,૨૫,૯૦૦, સ્વીફ્ટ કાર તેમજ સુમીતની અંગજડતીમાંથી મળી આવેલ ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂ.૬,૩૬,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને સુમીત ગીરીશભાઈ પટેલ તેમજ ઈદાભાઈ આણંદવાળા સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.