ગુજરાત
News of Wednesday, 15th January 2020

વિશાલ ગોસ્વામી ખંડણીના રેકેટનો પર્દાફાશ : ૪ જબ્બે

ગુજસીટોક હેઠળ દાખલ થયેલો પ્રથમ ગુનો : પકડાયેલા ચારેય આરોપી પાસેથી મોટી માત્રામાં હથિયારો પણ ક્રાઇમ બ્રાંચે જપ્ત કર્યા : સફળ ઓપરેશન પાર પડાયું

અમદાવાદ, તા.૧૫ : અમદાવાદ શહેરના મોટા મોટા વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાની ખંડણી અને હત્યા કરનાર કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામી ફરીથી સક્રિય થયો હોવાની ચોંકાવનારી હકીકકત સામે આવી છે. સાબરમતી જેલમાંથી વિશાલ ગોસ્વામી ખંડણીનું નેટવર્ક ચલાવતો હોવાનો ખુલાસો થયો છે. ક્રાઈમ બ્રાન્ચે સાબરમતી જેલમાં તપાસ કરતા વિશાલ ગોસ્વામી પાસેથી સ્માર્ટ ફોન મળી આવ્યા હતા. જે મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો હતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે વિશાલના ચાર સાગરિતોની મેઘાણીનગરમાંથી ધરપકડ કરી હતી. એટલું  જ નહી, પોલીસે તેઓની પાસેથી હથિયાર અને કારતૂસ જપ્ત કરતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, આ ગુનો ગુજસીટોક હેઠળ દાખલ થયેલો પ્રથમ ગુનો છે. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ આ ચારેય શખ્સો વિશાલના ઈશારે ફરી એકવાર શહેરમાં ખંડણી અને ધાક ધમકીઓ આપી પૈસા પડાવવાની તૈયારીઓ શરૂ કરી હતી.

            જો કે, તે પહેલાં જ ક્રાઇમબ્રાંચે આ સફળ ઓપરેશન પાર પાડી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો.  ગુજરાતમાં ૧ ડિસેમ્બરથી ગુજસીટોક(ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) લાગુ થઈ ગયો છે. આ કાયદા હેઠળ સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલિંગ), ધાક ધમકીથી પૈસા પડાવવા, પ્રતિબંધિત વસ્તુની દાણચોરી કરવી, ગેરકાયદે કેફી દ્રવ્યોનો વેપાર કરવો, ખંડણી માટે અપહરણ કરવા, રક્ષણ માટે નાણાં વસુલવા, નાણાંકીય લાભો મેળવવા માટે લોકોને છેતરવાના આશયથી પોન્ઝી સ્કીમ, અથવા મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ ચલાવવા જેવા ગુનાઓ નોંધવાની જોગવાઇ હોઇ હવે પોલીસને વિશેષ સત્તાઓ મળી છે. તો, તેનાથી ગુનાખોરી અને સંગઠિત ક્રાઇમ પર લગામ લાગશે.

(7:58 pm IST)