ગુજરાત
News of Wednesday, 15th January 2020

CAAથી દેશના નાગરિકોને ધંધા-રોજગારમાં રક્ષણ મળશે: આંતકવાદ અને ઘૂસણખોરી અટકશે: રાજપીપળાના વતની અને ઝિમ્બાબ્વેના મંત્રી રાજ મોદી ગુજરાત પ્રવાસે :CAA મુદ્દે આપ્યું નિવેદન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભારત અને ઝિમ્બાબ્વેના વચ્ચે સોલાર પાવર જનરેશન, ડાયમંડ, માઇનિંગ, પાવર જનરેશન, એગ્રીકલચર અને ફાર્માસ્યુટિકલ્સ સહિતના અને ધંધાકીય ક્ષેત્રમાં સંબંધ વધે તે હેતુથી ઝિમ્બાબ્વે સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી રાજ મોદી 21 દિવસથી ભારતના પ્રવાસે આવ્યા છે.

  આ દરમિયાન તેમણે ગુજરાતના વિવિધ ટેક્સટાઈયલ સંગઠનો, ડાયમંડ મેકિંગ સંગઠનો, ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ વિભાગના વિવિધ હોદ્દેદારો સાથે બેઠકો કરી હતી.અને એમને ઝિમ્બાબ્વેના ધંધા અર્થે રોકાણ કરવા બાબતે માહિતગાર કર્યા હતા.તેઓ પોતાના પ્રતિનિધિ મંડળ સાથે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી અને એનર્જી મિનિસ્ટર સૌરભ પટેલ, તથા લઘુઉદ્યોગ ઇન્ડસ્ટ્રીઝ કાઉન્સીલના સભ્યો સાથે પણ મુલાકાત કરી હતી.

   ઝિમ્બાબ્વેના મંત્રી રાજ મોદી મૂળ રાજપીપળાના રહેવાસી છે,તેમણે પોતાના પ્રવાસ દરમિયાન માદરે વતન રાજપીપળાના પોતાના નિવાસ સ્થાને ઉત્તરાયણના દિવસે પતંગની મઝા પણ માણી હતી.

   એમણે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપળાના આગેવાનો અને રોયલ વી 10 ગ્રુપના સભ્યો ગુંજન મલાવીયા, પ્રમુખ તેજશ ગાંધી, રાજપીપળા ભાજપ મહામંત્રી અજિત પરીખ,રા.ના.સ. બેન્ક લી ના એમ.ડી. અમિતભાઇ ગાંધી અને વેપારી મિત્રો કૌશલ કાપડિયા, પ્રણય પરીખ, ચેતન દાસ, સાગર શાહ, જતિન મઢીવાલા, જનક મોદી અને આશીત બક્ષી સાથે શુભેચ્છા મુલાકાત પણ કરી હતી

 .તેમની સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે હું અહીંના લોકોને આમંત્રણ આપવા આવ્યો છું કે અમારા દેશમાં રોકાણ કરી ધંધો કરો.અમે અત્યારે ઝિમ્બાબ્વેમાં સોલાર પાવરનો પ્રોજેકટ હાથ ધર્યો છે, ગુજરાતમાં સોલાર પાવર પ્રોજેકટ ઘણો સફળ ગયો છે તો મેં એ બાબતે મદદ કરવા સીએમ વિજયભાઈ રુપાણી  સાથે બેઠક કરી જેમાં વિજયભાઈ રૂપાણીએ અમારી સરકારને સોલાર પ્રોજેકટ બાબતે મદદ કરવાની ખાતરી આપી છે.સાથે સાથે અમે ગુજરાતના સોલાર પાવર પ્રોજેકટ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને પણ ઝિમ્બાબ્વેમાં પોતાનો પ્રોજેકટ સ્થાપવા બેઠક કરી હતી.

   CAA ના વિરોધ બાબતે એમણે જણાવ્યું હતું કે આ કાયદાનો વિરોધ કેમ થઈ રહ્યો છે એ મને સમજાતું નથી. આ કાયદો ખરેખર ભારત દેશના નાગરિકો માટે ઘણો સારો છે.આ કાયદો અમલી બનતા ભારત દેશના નાગરિકો ને ધંધા રોજગાર બાબતે રક્ષણ મળશે, બીજું કે ભારતમાં આતંકવાદ અને ઘુષણખોરી અટકશે.આનો સીધો ફાયદો ભારતના નાગરિકને જ છે, CAA થી કોઈ એક ધર્મના લોકોને નુકશાન થશે એ વાત બિલકુલ ખોટી છે.

 

 હું જ્યારે રાજપીપળાનો છું એમ કહેતો હતો તો રાજપીપળાને કોઈ જાણતું ન હતું, પણ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લીધે રાજપીપળાને અને નર્મદા જિલ્લાને દુનિયામાં ઓળખ મળી છે, હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું શાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા 8 મી અજયબીમાં સમાવેશ કરતા મને ઘણો ગર્વ થયો છે.

(6:16 pm IST)