ગુજરાત
News of Wednesday, 15th January 2020

વડોદરા: પપ્પાને વ્હાલી દીકરી......પુત્રીને જીદ પુરી કરવા પિતાએ તળાવમાં છલાંગ લગાવી ઈજાગ્રસ્ત કબૂતરને બચાવી જીવદયા સંસ્થાને સોંપ્યું

વડોદરા:ઉતરાયણના પર્વ દરમિયાન દોરામાં ફસાવવાના કારણે પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ થતાં હોવાના સંખ્યાબંધ બનાવો બનતા હોય છે અને તેને કારણે જીવદયા સંસ્થાઓ પણ પક્ષીઓની સારવાર માટે ઠેકઠેકાણે મેગા કેમ્પનું આયોજન કરતી હોય છે. દરમિયાન ઉત્તરાયણની સવારે સુરસાગર તળાવ ખાતે બનેલો બનાવ જીવદયા પ્રેમીઓ તેમજ નગરજનોમાં ચર્ચાના કેન્દ્રમાં રહ્યો હતો.

સુરસાગર તળાવ પાસે માસૂમ દીકરી પિતાનો હાથ પકડી પસાર થઈ રહી હતી ત્યારે તેની નજર પતંગની દોરીથી પાંખ કપાઈને તળાવમાં પડેલા કબુતર પડતા તે બુમ પાડી ઉઠી હતી. મળતી માહિતી પ્રમાણે કબુતર પાણીમાં તરફડીયા મારી રહ્યું હતું અને તે દ્રશ્ય જોઈ દ્રવી ઉઠેલી દીકરીએ કબૂતરને બચાવવા જીદ પકડી હતી.

દાંડિયા બજારમાં રહેતા પિતા સતિષભાઈ કહાર સારા તરવૈયા હોવાથી તેમણે દીકરીને ખુશ કરવા તળાવમાં પડતું મૂકયું હતું અને કડકડતી ઠંડીમાં તળાવના ઠંડા પાણીમાં 200 ફૂટ જેટલું અંતર કાપીને કબૂતરને બચાવી લઈ જીવદયા સંસ્થાને સારવાર માટે સોંપ્યું ત્યારે પુત્રી હરખાઈ ઉઠી હતી.

(5:33 pm IST)