ગુજરાત
News of Wednesday, 15th January 2020

અમદાવાદમાં કાઇટ ફેસ્ટીવલમાં વરૂણ ધવન-શ્રદ્ધા કપૂર સહિતનાએ પતંગ ઉડાડવાની મજા સાથે ફિલ્મનો પ્રચાર કર્યો

અમદાવાદ: અમદાવાદમાં આવેલા રીવરફ્રન્ટ ખાતે કાઈટ ફેસ્ટીવલ ચાલી રહ્યો છે જેના કારણે અનેક ફિલ્મી હસ્તીઓ અમદાવાદની મહેમાન બની રહી છે. મોટી સંખ્યામાં શહેરીજનો અહીં આવતા હોવાથી નવી ફિલ્મોના પ્રમોશન માટે કાઈટ ફેસ્ટીવલ એક મહત્વપૂર્ણ ડેસ્ટીનેશન બન્યું છે. ત્યારે સ્ટ્રીટ ડાન્સર 3Dના ફિલ્મ સ્ટારો પણ કાઈટ ફેસ્ટીવલમાં આવી પહોંચ્યા હતા અને પોતાની આગામી ફિલ્મનો પ્રચાર કર્યો હતો તો સાથે જ પતંગની મજા પણ માણી હતી.

આ ફિલ્મ કલાકારોમાં વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, નોરા ફતેહી, પુનીત પાઠક, ધર્મેશ યેલાંડે, સહીત ફિલ્મના ડીરેક્ટર રેમો ડી'સોઝા તેમજ પ્રોડ્યુસર ભૂષણ કુમાર ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ કલાકારોએ પતંગ ઉડાવવાની મજા માણી હતી. તો સાથે જ ગુજરાત ટુરીઝમ દ્વારા આયોજિત કાઈટ ફેસ્ટીવલની પ્રશંસા કરી હતી. અને દેશના અન્ય ભાગોમાં પણ કાઈટ ફેસ્ટીવલનું આયોજન કરવા માટે અને તેને સમર્થન આપવાની પણ તૈયારી દર્શાવી હતી.

આ દરમિયાન વરૂણ ધવને કહ્યું હતું કે, મેં મુંબઇમાં મારા ઘરના ધાબા પર બહુ પતંગ ચગાવી છે. આજે પણ ઉત્તરાયમાં તે મિત્રો સાથે પોતાના ઘરના ટેરેસ પર પતંગ ચગાવીને તલ ચિક્કીની મજા લે છે. જો કે ઉત્તરાયણના તહેવારની મજા ગુજરાતમાં વધારે આવે છે. એમાંય વાત જ્યારે અમદાવાદની હોય ત્યારે અમદાવાદમાં પતંગ ચગાવવાની મજા કંઇક ઓર હોય છે. .વરૂણ ધવને એમ પણ કહ્યું કે, તે જ્યારે પણ અમદાવાદ આવે છે ત્યારે કોઇને કોઇ તહેવાર હોય છે. ગયા વખતે જ્યારે તેઓ આવ્યા હતા ત્યારે નવરાત્રિ હતી, તો આ વર્ષે ઉત્તરાયણ છે. જ્યારે શ્રદ્ધા કપૂરે જણાવ્યું હતું કે, અમદાવાદમાં ઉત્તરાયણની અલગ જ મજા છે.

વરુણ ધવને વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. શ્રદ્ધા કપૂર પતંગ ચગાવી રહેલા વરુણનો જુસ્સો વધારતી જોવા મળી હતી. ફિલ્મના ડાયરેક્ટર રેમો ડિસૂઝાએ ફીરકી પકડી છે. વરુણ પતંગ ચગાવતો હતો ત્યારે આસપાસ રહેલા મીડિયાકર્મીઓ અને ફેન્સ તેને ટિપ્સ આપતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત વરુણ અને શ્રદ્ધા માટે તેમના ફેન્સ ગાંઠિયા, કઢી, જલેબી અને ઢોકળા લઈને આવ્યા હતા. શ્રદ્ધાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફેન્સનો આભાર માન્યો છે અને ગુજરાતી ખાવાનું ખાવાની મજા આવી હોવાનું જણાવ્યું હતું.

(4:41 pm IST)