ગુજરાત
News of Wednesday, 15th January 2020

અમદાવાદમાં તસ્કરો ગેસ કટરથી ATM તોડતા હતા અને પોલીસ પહોંચી :બે લૂંટારુઓ ઝડપાયા

સેન્સરથી મુંબઈ બ્રાન્ચને જાણ થતા તાત્કાલિક અમદાવાદ એલિસબ્રિજ પોલીસને કહેતા ઘટના સ્થળે પોલીસ પહોંચી

અમદાવાદ : એટીએમમાંથી ચોરીના અનેક બનાવો સામે આવતા રહે છે. સામાન્ય રીતે લૂંટારૂઓ એટીએમ સેન્ટરોમાં ઘૂસીને મશીનને ગેસ કટર વડે કાપીને રોકડની ચોરી કરતા હોય છે. અનેક વખત મશીન ન તૂટવાને કેસમાં લૂંટારુઓ ભાગી જતા હોય છે. અમદાવાદના પોલિટેકનિક રોડ પરના એસબીઆઇ બેન્કના એટીએમ સેન્ટરમાં ત્રણ લોકોની ટોળકી લૂંટ કરવાના ઇરાદે ઘૂસી હતી. આ ટોળકીએ અંદર જઈને ગેસ કટર શરૂ કરતા જ મુંબઇ બ્રાન્ચમાં સિક્યોરિટી વિભાગને જાણ થતાં તાત્કાલિક અમદાવાદની એલિસબ્રીજ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બે લોકોને ઝડપી પાડ્યા હતા.

બોડકદેવમાં રહેતા કુલદીપભાઇ ગર્ગ એસબીઆઇની પોલિટેકનિટ શાખામાં દોઢ વર્ષની મેનેજર તરીકે ફરજ બજાવે છે. આ એટીએમ સેન્ટરમાં સિક્યોરિટી એલાર્મ, સીસીટીવી કેમેરા અને સેન્સર લગાવવામાં આવ્યા છે. ઉત્તરાયણ પૂરી થયા બાદ રાત્રે બે વાગ્યાની આસપાસ કુલદીપભાઇને મુંબઇ ઇ-સર્વેલન્સ ઓફિસમાંથી એટીએમ સેન્ટરમાં સીસીટીવી સાથે સેન્સર સાથે કોઇ ચેડા કરી રહ્યો હોવાની જાણ કરતા તેઓએ પોલીસને સાથે રાખીને તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા. ત્યાં જઇને જોયું તો એટીએમનું શટર બંધ હતું.

પોલીસ પહોંચ્યાની જાણ થતાં જ તસ્કરો ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન પોલીસે એક વ્યક્તિને ઝડપી લીધી હતો જ્યારે બીજો એક શખ્સની એટીએમની અંદરથી પકડાયો હતો. આ દરમિયાન બહાર ઉભા રહીને વૉચ રાખતો શખ્સ પોતાનું વાહન મૂકીને જ ભાગી ગયો હતો.

(12:24 pm IST)