ગુજરાત
News of Tuesday, 14th January 2020

વડોદરામાં જુદા જુદા જવેલર્સમાં જઈ ગ્રાહકના સ્વાંગમાં દાગીનાની ઉઠાંતરી કરનાર પતિ-પત્ની ઝડપાયા

વડોદરા:શહેરના જુદાજુદા જ્વેલર્સ શો રૃમોમાં જઇ દાગીના ખરીદવાના બહાને ચોકસી કે સેલ્સમેનની નજર ચૂકવી દાગીના ઉઠાવી લેતા તાંદલજાના દંપતીની જેપી રોડ પોલીસે ધરપકડ કરી છે.કોર્ટે દંપતીને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે.મુજમહુડા વિસ્તારના સિલ્વર આર્કેડમાં આવેલા અર્બુદા જ્વેલર્સમાં ગઇ તા.૧૧મીએ બપોરે સાડા બારેક વાગે એક પુરૃષ અને સ્ત્રી આવ્યા હતા અને સોનાની ચેઇન જોવા માંગી હતી.ચોકસીએ ચેઇનો બતાવતાં દંપતીએ તેમની નજર ચૂકવીને રૃા.અડધો લાખની કિંમતની ૧૩ ગ્રામની સોનાની ચેઇન તફડાવી લીધી હતી.ત્યારબાદ એક પછી બંને જણા ખરીદી કર્યા વગર સ્કૂટર પર ચાલ્યા ગયા હતા.ઉપરોક્ત બનાવ અંગે રવિભાઇ ચૌધરીએ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ સ્કૂટરના નંબરના આધારે તપાસ કરી હતી.જેપી રોડના પીઆઇ ડીકે વાઘેલાની સૂચના મુજબ પોલીસે ગુનામાં રહીમખાન ઉમરદરાજખાન પઠાણ અને તેની પત્ની મહેમુદાબાનુ રહીમખાન (બંને રહે.ઝમઝમ પાર્ક,તાંદલજા)ની ધરપકડ કરી તેમની પાસે ચેઇન,સ્કૂટર અને રોકડ રકમ કબજે કરી છે.

(1:43 pm IST)