વિદ્યાનગર પોલીસે બળિયાદેવ ચોકડી નજીક વોચ ગોઠવી ઘરમાંથી 1.02 લાખનો વિદેશો દારૂનો જથ્થો ઝડપ્યો: બેની ધરપકડ
વિદ્યાનગર: શહેર પોલીસે આજે કરમસદના બળિયાદેવ ચોકડી પાસે વોચ ગોઠવીને કારમાં તેમજ ઘરમાંથી કુલ ૧.૦૨ લાખના વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા જ્યારે મુખ્ય સુત્રધારો ફરાર થઈ જવામાં સફળ રહ્યા છે જેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પેટ્રોલીંગ કરી રહેલી વિદ્યાનગર પોલીસને હકિકત મળી હતી કે, એક ઈકો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ગાના-કરમસદ રોડ પરથી આવનાર છે જેથી પોલીસ જવાનો બળિયાદેવ ચોકડી પાસે વોચમાં ગોઠવાઈ ગયા હતા. દરમ્યાન એક ઈકો કાર નંબર જીજે-૨૩, એએન-૪૫૪૭ની આવી ચઢતાં પોલીસે તેને અટકાવીને તલાશી લેતાં અંદરથી એપીસોડ ક્લાસીક વ્હીસ્કીની ૧૪ પેટી મળી આવી હતી. પોલીસે કારમાં સવાર અજયભાઈ રઈજીભાઈ સોલંકી (રે. વિદ્યાનગર)તથા અજયભાઈ અશોકભાઈ ગાયકવાડ (રે. કરમસદ-ગાના રોડ)ની પુછપરછ કરતાં બીજો મુદ્દામાલ અજયના કરમસદ-ગાના રોડ ઉપર આવેલા માતૃપુંજન સોસયાટી સ્થિત મકાનમાં છુપાવ્યો હોવાની કબુલાત કરી હતી જેથી પોલીસે મકાનમાં છાપો મારતાં તેમાંથી પાર્ટી સ્પેશ્યલ વ્હીસ્કીની ત્રણ પેટી તથા અન્ય બ્રાન્ડની ૧૬ બોટલો મળી આવી હતી. જેની કુલ કિંમત ૧.૦૨ રૂપિયા જેટલી થવા જાય છે.