ગુજરાત
News of Tuesday, 15th January 2019

કઠલાલમાં શાળામાં મહિલાને વિશ્વાસમાં લઇ ગઠિયાએ એટીએમ કાર્ડ બદલી 3.80 લાખની રોકડની ઉઠાંતરી કરી

કઠલાલ:હાઈસ્કૂલમાં પટાવાળાની નોકરી કરતી મહિલાને વિશ્વાસમાં લઈ એટીએમ કાર્ડ બદલી લઈ અજાણ્યો ગઠીયો જુદા-જુદા એટીએમમાંથી રૂા. ૩.૮૦ લાખની રોકડ ઉપાડીને ફરાર થઈ જતાં અજાણ્યા ગઠીયા સામે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે. 

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ જય મહારાજ સોસાયટીમાં રહેતા સુશીલાબેન રાવજીભાઈ મહીડા કઠલાલ હાઈસ્કૂલમાં પટાવાળા તરીકે નોકરી કરે છે. ગત તા. ૨૮-૧૨-૨૦૧૮ના રોજ સુશીલાબેન કઠલાલમાં આવેલ એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયા હતા ત્યારે અજાણ્યા ઈસમે મદદ કરવાના બહાને મહિલાનું એટીએમ કાર્ડ લઈ તેનો પાસવર્ડ જાણી પૈસા ઉપાડી આપ્યા હતા. આ અજાણ્યા ગઠીયાએ મહિલાને વિશ્વાસમાં લઈ એટીએમનો પાસવર્ડ મેળવી લઈ એટીએમ કાર્ડ બદલી લીધું હતું. બાદમાં આ એટીએમ કાર્ડનો ઉપયોગ કરી જુદા-જુદા સમયે અને જુદા-જુદા સ્થળે એટીએમમાંથી કુલ રૂા. ૩,૭૯,૮૦૦ ઉપાડી લઈ વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. 

આ બનાવ અંગે સુશીલાબેન રાવજીભાઈ મહિડાની ફરિયાદ આધારે કઠલાલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:31 pm IST)